ગાથા ૩૩ ] [ ૧૪૯
‘वपुषः स्तुत्या नुः स्तोत्रं व्यवहारतः अस्ति, न तत् तत्त्वतः’ શરીરના સ્તવનથી આત્મા-પુરુષનું સ્તવન થયું એમ વ્યવહારનયથી કહેવાય છે, પણ નિશ્ચયનયથી નહિ. અહાહા! જુઓ, ભગવાન ત્રિલોકનાથ અરિહંતદેવ તે પર વસ્તુ છે અને તેમની સ્તુતિનો વિકલ્પ એ રાગ છે. તેથી એ સ્તુતિ આત્માની સ્તુતિ નથી કેમકે વિકલ્પ આત્માથી ભિન્ન ચીજ છે. રાગથી માંડીને બધાય-એટલે કે સિદ્ધ ભગવાન અને તીર્થંકરો પણ આ આત્માના સ્વરૂપથી ભિન્ન હોવાથી અનાત્મા છે. તેથી ‘આ આત્મા (પોતે) નહિ’ એવા અનાત્માની જે સ્તુતિ કરે છે તે ચૈતન્યની સ્તુતિ કરતો નથી પણ ચૈતન્યથી ભિન્ન શરીરની સ્તુતિ કરે છે. જેમ આત્માથી ભિન્ન એવા અનાત્મસ્વરૂપ જડ શરીરની સ્તુતિથી રાગ થાય છે તેમ આત્માથી (પોતાથી) ભિન્ન એવા સમોસરણમાં બિરાજમાન સાક્ષાત્ ત્રિલોકીનાથ તીર્થંકરદેવના શરીર કે ગુણની સ્તુતિ કરવાથી પણ, પરલક્ષ હોવાથી, રાગ ઉત્પન્ન થાય છે. માટે તે આત્માની સ્તુતિ નથી.
જેમ પર પદાર્થ આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે, તેમ નિજ દ્રવ્યરૂપ ભગવાન આત્માની અપેક્ષાએ બીજાં દ્રવ્યો અદ્રવ્ય છે. બીજાં દ્રવ્યો પોતપોતાની અપેક્ષાએ તો સ્વદ્રવ્યરૂપ છે, પણ આ જીવદ્રવ્યની અપેક્ષાએ તેઓ અદ્રવ્ય છે. તેવી રીતે આ આત્માના ક્ષેત્રની અપેક્ષાએ પરક્ષેત્ર એ અક્ષેત્ર છે, આ આત્માના સ્વકાળની અપેક્ષાએ પરકાળ અકાળ છે અને આ આત્માના સ્વભાવની અપેક્ષાએ પરસ્વભાવ તે અસ્વભાવ છે. સમયસારમાં પાછળ અનેકાન્તના પરિશિષ્ટના ૧૪ બોલમાં આ વાત આવે છે. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી. તેમ જ પર પોતાના સ્વચતુષ્ટયથી છે પણ આ આત્માના ચતુષ્ટયથી નથી. જ્ઞાનમાત્ર જીવવસ્તુ સ્વદ્રવ્યપણે, સ્વક્ષેત્રપણે, સ્વકાળપણે અને સ્વસ્વભાવપણે અસ્તિ છે, પરંતુ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવપણે નાસ્તિ છે. સ્વદ્રવ્ય અનંત ગુણ અને પર્યાયોનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે, એક સમયની પર્યાય તે પોતાનો સ્વકાળ છે અને પોતાના ગુણ તે સ્વભાવ છે. આવા સ્વદ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવની અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ ભગવાનનો આત્મા અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અસ્વભાવ છે. આ તો પરથી ભિન્નતાની (ભેદજ્ઞાનની) વાત છે. માટે અર્હંતાદિની સ્તુતિ એ આત્માની સ્તુતિ નથી.
કળશટીકામાં કળશ ૨પ૨ માં ઉપર કહી એથી પણ વિશેષ સૂક્ષ્મ વાત કરી છે. ત્યાં કહે છે કેઃ-સ્વદ્રવ્ય એટલે અખંડ નિર્વિકલ્પ અભેદ એકાકાર વસ્તુ અને પરદ્રવ્ય એટલે સ્વદ્રવ્યમાં ‘આ ગુણ અને આ ગુણી’ એવો ભેદવિકલ્પ કરવો તે. સ્વક્ષેત્ર એટલે અસંખ્ય પ્રદેશી એકરૂપ આકાર અને અસંખ્ય પ્રદેશ એમ તેમાં ભેદ કરવો તે પરક્ષેત્ર છે. પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ છે અને એક સમયની જે પર્યાય છે તે પરકાળ છે. સ્વભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિ અને એકરૂપ વસ્તુમાં આ જ્ઞાન, આ દર્શન એમ ભેદ કરવા તે પરભાવ છે.