અથવા અહીં કહે કે ‘હે ભગવાન! તમે તારજો.’ ત્યાં અંદરમાં સામો પ્રતિઘોષ થાય કે ‘હે ભગવાન! તમે તારજો.’ આ રીતે સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે પ્રતિચ્છંદના સ્થાને છે. સિદ્ધ ભગવાન નમૂનો છે. (સાધ્યનો નમૂનો છે). લોગસ્સમાં આવે છે ને? ‘સિદ્ધા સિદ્ધ મમ દિસતું.’ એટલે કે હે સિદ્ધ ભગવાન! મને સિદ્ધપદ દો. આમ તેમના સિદ્ધોના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાનું સ્વરૂપ ધ્યાવીને-એટલે કે ‘સિદ્ધ સમાન સદા પદ મેરો, ’ એમ પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યઘન, આનંદકંદ એનું ધ્યાન કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે.
અહીં પર્યાયનું ધ્યાન કરવાની વાત નથી. અહીં તો મારું દ્રવ્ય જ સિદ્ધ સ્વરૂપ છે, સ્વભાવથી શક્તિરૂપે હું સિદ્ધ જ છું. નિયમસારમાં આવે છે ને? બધા સંસારી જીવો (નિશ્ચયનયના બળે) સિદ્ધ સમાન જ છે, અષ્ટગુણથી પુષ્ટ છે. આ સ્વભાવની વાત છે. દ્રવ્યે પોતાનું સિદ્ધસ્વરૂપ છે એને ધ્યાવીને, પોતાના ત્રિકાળી સ્વરૂપનું ધ્યાન કરીને તેના જેવો થઈ જાય છે. અહા! નિર્મળ પર્યાયમાં ધ્યાન કોનું છે? દ્રવ્યનું, કે જે સ્વરૂપે પૂર્ણ, આનંદસ્વરૂપ એકરૂપ છે, એને પર્યાય વિષય બનાવીને ધ્યાન કરે છે. પરમ અધ્યાત્મતરંગિણીમાં ત્રણ ઠેકાણે આવે છે કે ‘ધ્યાન વિષય કુરુ’ -પર્યાયમાં દ્રવ્યને વિષય બનાવ. એનો અર્થ એ નથી કે આ પર્યાય છે તે દ્રવ્યમાં વાળું છું, પણ પર્યાય દ્રવ્ય તરફ વળી એ દ્રવ્યનું ધ્યાન છે. સિદ્ધનું ધ્યાન-એટલે જેવો પોતે સિદ્ધ સમાન સ્વભાવથી છે-તેનું ધ્યાન કરતાં સિદ્ધ સમાન થઈ જાય છે; ન થાય એ પ્રશ્ન જ નથી. તેથી ચારેય ગતિથી વિલક્ષણ એવી પંચમગતિ- મોક્ષને પામે છે. બીજી ગતિઓ તો વિકારવાળી છે, ત્યાંથી તો પાછું આવવું પડે છે. પણ આ મોક્ષગતિ તો થઈ એ થઈ, ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં.’ સાદિ-અનંતકાળ સિદ્ધમાં જ રહેશે. અહો! અમૃતચંદ્રે અમૃતના નાથને અમૃત ગતિ પ્રાપ્ત કરાવવાની અદ્ભૂત વાત કરી છે. અમૃત રેલાવ્યાં છે! ‘રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યાં રે પંચમ કાળમાં!!
કેવી છે તે પંચમગતિ? ‘ધુવમચલમણોવમં’. ધ્રુવતાથી પ્રથમ ઉપાડયું છે. પર્યાય અંદર ધ્રુવ સ્વભાવમાંથી આવી છે ને? ધ્રુવમાંથી ધ્રુવ પર્યાય-સિદ્ધ પર્યાય થઈ છે. સિદ્ધ પર્યાયને વંદન કરવું છે ને? એ પંચમગતિ-સિદ્ધ ગતિ સ્વભાવરૂપ છે. જે આત્માનો સ્વભાવભાવ છે એમાંથી સ્વભાવભાવપર્યાય આવેલી છે. સિદ્ધ ભગવાનની નિર્મળ પર્યાય સ્વભાવભાવરૂપ છે માટે ધ્રુવપણાને અવલંબે છે-ધ્રુવપણાને રાખે છે. ચાર ગતિઓ પર નિમિત્તથી-કર્મના નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે. ચાર ગતિ વિભાવભાવરૂપ વિકારી અવસ્થા છે. આમ ધ્રુવ વિશેષણથી પંચમગતિમાં વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. જો કે મોક્ષની પર્યાય (સિદ્ધ પર્યાય) પણ નાશવાન (ઉત્પાદ-વ્યયરૂપ) છે, છતાં અહીં