ગાથા ૩૩ ] [ ૧પ૧ ન થાય. અંદર ચિદાનંદ ભગવાન ત્રણલોકનો નાથ ત્રિકાળ બિરાજે છે એનાં દર્શન ભવના અભાવનું કારણ છે. આ આત્મા સિવાય શરીરથી માંડી અન્ય સર્વ પોતાની અપેક્ષાએ અનાત્મા છે. તેની સ્તુતિ કરવી તે નિશ્ચયસ્તુતિ નથી. પૂર્ણ ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતારૂપ સ્તવનથી ચૈતન્યનું સાચું સ્તવન થાય છે. આ સિવાય પર ભગવાનની સ્તુતિ કે એક સમયની પર્યાય જે પરદ્રવ્ય છે તેની સ્તુતિ (એકાગ્રતા) તે ચૈતન્યની સ્તુતિ નથી.
અહાહા! ચૈતન્યબિંબ, વીતરાગમૂર્તિ ભગવાન આત્માની સ્તુતિથી કેવળીના ગુણની નિશ્ચયસ્તુતિ વા સ્વચૈતન્યનું સ્તવન થાય છે. ‘सा एवं’ આ ચૈતન્યનું સ્તવન તે જિતેન્દ્રિય જિન, જિતમોહ જિન તથા ક્ષીણમોહ જિન-જે પહેલાં ત્રણ પ્રકારે કહ્યું તે છે. અહાહા! એક સમયની પર્યાય વિનાનું જે પૂર્ણ સ્વરૂપ છે તે તત્ત્વ છે કે નહિ? સત્તા છે કે નહિ? સત્તા છે તો પૂર્ણ છે કે નહિ? જો તે પૂર્ણ છે તો અનાદિ-અનંત છે કે નહિ? વસ્તુ અનાદિ-અનંત પૂર્ણ ત્રિકાળ ધ્રુવસ્વરૂપે છે. તે તરફના ઝુકાવથી નિશ્ચયસ્તુતિ થાય છે. તે સિવાય વિકલ્પ દ્વારા ભગવાનની લાખ સ્તુતિ કરે તોપણ સાચી સ્તુતિ નથી.
પ્રશ્નઃ– મોક્ષશાસ્ત્રની શરુઆતમાં મંગલાચરણમાં આવે છે કેઃ-
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये।।
જેઓ મોક્ષમાર્ગના નેતા છે, કર્મરૂપી પર્વતોને ભેદનારા છે, વિશ્વના તત્ત્વોના જ્ઞાતા છે-એવા પરમાત્માના ગુણોની પ્રાપ્તિ માટે હું તેમને વંદું છું. આમાં ભગવાનના ગુણનું સ્તવન કરવાથી તેમના ગુણનો લાભ (આ) આત્માને થાય છે એમ આવ્યું ને? કહ્યું છે ને કે ‘वंदे तद्गुणलब्धये’?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તનું, વ્યવહારનું કથન છે. ‘સ્તુતિ કરું છું’ એવો ભાવ તો વિકલ્પ છે. પરંતુ અમૃતચંદ્રાચાર્યદેવે ત્રીજા કળશમાં જેમ કહ્યું છે તેમ, તે વિકલ્પના કાળે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવાથી જે શુદ્ધિની પ્રાપ્તિ થાય છે તેને ઉપચારથી ભગવાનની સ્તુતિથી થઈ એમ કહેવાય છે. અમૃતચંદ્રાચાર્યદેવ આ શાસ્ત્રના ત્રીજા કળશમાં કહે છે કે-હું તો શુદ્ધ ચૈતન્યઘન છું. પણ મારી પર્યાયમાં હજુ કાંઈક મલિનતા છે. તે મલિનતાનો ટીકા કરવાથી જ નાશ થાઓ અને પરમ વિશુદ્ધિ પ્રગટ થાઓ. તેનો અર્થ શું? ટીકા કરવાનો ભાવ તો વિકલ્પ છે. શું વિકલ્પથી વિશુદ્ધિ પ્રગટ થઈ જાય? એનાથી શું અશુદ્ધિ નાશ પામે? પાઠ તો એવો છે-‘व्याख्यया एव’ ટીકાથી જ. એનો અર્થ એમ છે કે હું જ્યારે ટીકા કરું છું ત્યારે વિકલ્પ તો છે, પરંતુ મારું જોર તો અખંડાનંદ દ્રવ્ય તરફ છે. ટીકાના કાળે દ્રષ્ટિનું જોર દ્રવ્ય ઉપર છે તેથી તે જોરના કારણે અશુદ્ધિ નાશ થાઓ અને પરમ વિશુદ્ધિ થાઓ એમ કહેવાનો ભાવ છે.