Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 444 of 4199

 

ગાથા ૩૪ ] [ ૧૬૩ સ્વભાવ નથી, કેમકે જ્ઞાતા-દ્રષ્ટા વસ્તુનો સ્વભાવ તો જાણવું, દેખવું અને આનંદ છે. તેથી તે જ્ઞાતા-દ્રષ્ટા-સ્વભાવ વિકારીભાવમાં કેમ વ્યાપ્ત થાય? જાણન-દેખન સ્વભાવ, અન્યદ્રવ્યના સ્વભાવથી થતા જે અન્ય સમસ્ત ભાવો-ચાહે તે વ્યવહારરત્નત્રયનો રાગ કેમ ન હોય-એમાં વ્યાપવા સમર્થ નથી. તેમાં વ્યાપે એવું આત્માનું સ્વરૂપ જ નથી. ભાઈ! અનંત આનંદને આપનારો આ માર્ગ બહુ સૂક્ષ્મ છે. અનંત અનંત શાંતિ, આહ્લાદ અને સ્વરૂપની રચના કરનાર અનંત વીર્ય જેનાથી પ્રગટ થાય તે ઉપાય કોઈ અલૌકિક અદ્ભુત છે. આવો માર્ગ સમય કાઢી જાણવો જોઈએ. હમણાં નહિ જાણે તો કયારે જાણશે?

અહાહા! અનંત આનંદ, અનંત શાન્તિ આદિ એક એક એમ અનંત ગુણનો સમાજ અંદર છે. અનંતગુણરૂપી સામ્રાજ્યનો સ્વામી આત્મા છે. એ મૂળ વસ્તુ આત્મા પ્રત્યક્ષ છે, પણ પર્યાયબુદ્ધિથી-રાગબુદ્ધિથી તે આખી વસ્તુ આવરણમાં છે. અહીં પહેલેથી જ ઉપાડયું છે કે-‘આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય’, એમાં આત્મા પ્રત્યક્ષ પ્રભુ છે એમ બતાવ્યું છે. સમ્યગ્જ્ઞાનરૂપી નેત્રમાં પ્રભુ પ્રત્યક્ષ દેખાય એવો તે આત્મા છે. આવો આત્મા, પોતાના સ્વભાવ વડે, અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અર્થાત્ કર્મના-નિમિત્તના સંગે થતા વિભાવ ભાવોમાં વ્યાપ્ત છે જ નહિ. આ જ્ઞાનસ્વભાવી આત્મા રાગના વિકલ્પપણે- વ્યવહાર-રત્નત્રયના વિકલ્પપણે વ્યાપીને રહેવાને-થવાને લાયક જ નથી. વિકારપણે થવું એવો આત્માનો સ્વભાવ જ નથી. આમ રાગને પરપણે જાણી સ્વરૂપમાં ઠરવું તે પ્રત્યાખ્યાન છે.

પ્રશ્નઃ– અમે તો માનીએ છીએ કે ભગવાનનાં દર્શન કરીએ, જાત્રા કરીએ એટલે ધર્મ થાય. તમે તો ના પાડો છો?

ઉત્તરઃ– ભાઈ! ભગવાન પોતે અંદર બિરાજે છે તેને જાણવાથી, દેખવાથી ધર્મ થાય છે. પરંતુ પર ભગવાનને દેખવાથી ધર્મ ન થાય, શુભરાગ થાય. આ ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. તે અન્યદ્રવ્યના સ્વભાવથી ઉત્પન્ન થતા વિભાવોમાં-દયા, દાન, વ્રત આદિ વિકલ્પોમાં પોતાના સ્વભાવ વડે વ્યાપ્ત થતો નથી. તેથી તેને પરપણે જાણીને જ્ઞાની ત્યાગે છે. એટલે કે અંદર સ્વભાવમાં સ્થિર થાય છે એટલે તેને ત્યાગે છે એમ કહેવામાં આવે છે. વિકારીભાવ આત્માના સ્વભાવ વડે વ્યાપ્ત થવાને લાયક નથી. તેથી તેને પરપણે જાણવા એ જ તેનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. આ ધર્મ અને ધર્મની રીત છે.

હું એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવવાળો છું. જે અન્યદ્રવ્યના નિમિત્તથી વિભાવપરિણામો થાય છે તે મારા સ્વભાવપણે થવાને લાયક નથી. આમ સ્વભાવ અને રાગને ભિન્ન જાણવા તે રાગનો ત્યાગ છે. આ રાગ છે તે હું નહિ. એ ભિન્ન રાગપણે હું થવાને લાયક નથી અને રાગ મારા સ્વભાવપણે થવાને લાયક નથી. આમ જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે. જે જ્ઞાનમાં જણાયું કે આ રાગ છે તે મારા સ્વભાવ વડે વ્યાપ્ત થતો નથી અને મારો પણ સ્વભાવ નથી કે હું રાગપણે થાઉં એ જાણપણું એ પચ્ચકખાણ છે, સામાયિક છે,