Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 448 of 4199

 

ગાથા ૩૪ ] [ ૧૬૭ અનંતસ્વભાવનો સાગર સ્વરૂપસાગર ભગવાન આત્મા છે. જે જીવે આવા આત્માનો અંતઃસ્પર્શ કરી અનુભવ કર્યો છે તે સમકિતી ધર્મી છે. આવા ધર્મીને જે પુણ્ય-પાપના વિકલ્પો-અસ્થિરતાનો રાગ આવે છે તેનું પચ્ચકખાણ કેમ થાય એમ પ્રશ્ન છે. તો કહે છે કે જ્ઞાનમાં જણાતો એ રાગ જ્ઞાનમાં વ્યાપતો નથી, એ તો ભગવાન ચૈતન્યની સ્વરૂપસંપદાથી ભિન્ન રહે છે. અસ્થિરતાનો રાગ અને જ્ઞાનને ભિન્નતા છે. તેથી રાગ તો પરપણે છે આમ જેણે જાણ્યું છે તે જાણનારો હવે રાગમાં જોડાતો નથી એ પચ્ચકખાણ છે. રાગમાં જોડાતો નથી એ તો નાસ્તિથી કથન છે. ખરેખર તો જે કાળે જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે એ સ્વરૂપ-આચરણના કાળે રાગ ઉત્પન્ન જ થતો નથી એને રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કથનથી કહેવામાં આવે છે. જૈન પરમેશ્વર વીતરાગદેવનો આવો માર્ગ છે, ભાઈ. મહાવિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન હાલ સાક્ષાત્ બિરાજે છે. તેઓ પણ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે સભામાં આ જ વાત કરે છે.

આત્માને રાગના ત્યાગના ર્ક્તાપણાનું નામ તે કથનમાત્ર છે. પરમાર્થથી જોવામાં આવે તો એટલે કે વાસ્તવિકપણે જેમ છે તેમ જોવામાં આવે તો પરભાવના ત્યાગર્ક્તાપણાનું નામ પોતાને નથી, કારણ કે રાગ છોડયો એવું આત્માના સ્વરૂપમાં છે જ નહિ. અહાહા! જ્યાં સ્વરૂપમાં ઠર્યો ત્યાં રાગ જ થયો નહીં તો પછી રાગ છોડયો એમ કયાંથી આવે? રાગનો ત્યાગ કર્યો એનો અર્થ શું? શું પ્રત્યાખ્યાનના કાળે, ચારિત્રના કાળે રાગની હયાતી છે? શું જ્ઞાન જ્ઞાનમાં ઠરે છે તે કાળે રાગની હયાતી છે? ના. તે કાળે રાગનો અભાવ છે. પરંતુ પૂર્વે પર્યાયમાં રાગ હતો તે વર્તમાનમાં ન થયો એમ દેખીને નામમાત્રથી કહેવાય છે કે આત્માએ રાગનો ત્યાગ કર્યો. અદ્ભુત વાત છે! આ તો સમયસાર છે, બાપુ! પરમાત્માની દિવ્યધ્વનિ છે! આ ગણધરો અને સંતોની વાણી સમજવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ.

હવે કહે છે-‘પોતે તો એ નામથી રહિત છે, કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી.’ આત્મા તો પરભાવના ત્યાગર્ક્તાપણાના નામથી રહિત છે કેમકે પોતે તો જ્ઞાન-સ્વભાવપણે જ રહ્યો છે, જ્ઞાનથી છૂટયો જ નથી. માટે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન જ્ઞાનમાં થંભ્યું-સ્થિર થયું એ જ પ્રત્યાખ્યાન છે એમ અનુભવ કરવો.

* ગાથા ૩૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આત્માએ પરભાવનો ત્યાગ કર્યો, રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવી ચૈતન્યપ્રકાશનો પુંજ એકલા જ્ઞાયકભાવ-સ્વભાવવાળું તત્ત્વ છે, સ્વપરપ્રકાશકસ્વભાવી છે. આવા સ્વતત્ત્વને સ્વ જાણ્યું અને પરભાવને પર તરીકે જાણ્યો ત્યારે પરભાવને ગ્રહણ કર્યો નહિ, રાગને પકડયો નહિ એને એનો ત્યાગ કર્યો એમ કહેવાય છે. રાગમાં જે અસ્થિર થતો હતો તે થયો નહિ તેને ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે.