આમ સિદ્ધોને પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો) પ્રકાશક પ્રાભૃત નામનો અર્હત્-પ્રવચનનો અવયવ-અંશ, તેનું હું પરિભાષણ કરું છું આ સમય પ્રાભૃત એ સર્વ પદાર્થોનો વા જીવ પદાર્થનો પ્રકાશક છે અને તે અર્હત્ પ્રવચનનો અંશ કહેતાં ભગવાન શ્રી અરિહંતના શ્રીમુખેથી નીકળેલી દિવ્યધ્વનિ -વાણી-પ્રવચન એનો એક અંશ છે. તેનું, અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું. અહીં આચાર્યશ્રી-મારામાં (પોતામાં) પણ ચારિત્રમોહની જે અલ્પ અસ્થિરતા છે તેનો તથા પર જીવોમાં જે મિથ્યાત્વ-રાગાદિ છે તેનો નાશ કરવાની વાત કરે છે મારે પણ હજી અલ્પ મોહ છે એમ કહે છે. અમૃતચંદ્રાચાર્યે ત્રીજા કળશમાં કહ્યું હતું ને કે આ ટીકા કરતાં મારા મોહનો નાશ થશે. તેઓશ્રીની જ આ ટીકા છે ને?! કહે છે કે મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું, એટલે કે વ્યાખ્યા કરું છું.
આ સમયસાર છે એ અર્હત્-પ્રવચનનો અવયવ એટલે અંશ છે. કેવો છે તે અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત છે, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત છે. આમ કહીને આ સમયસારની પ્રામાણિકતા સિદ્ધ કરે છે. સમયસાર બન્યું છે કેમ? અનાદિ પરમાગમ છે એમાંથી બન્યું છે, અને સર્વજ્ઞ ભગવાને તે કહ્યું છે-પ્રણીત કર્યું છે, અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ (સીધા) સાંભળનાર, તેમ જ પોતે અનુભવ કરનાર-એટલે કે સાંભળીને આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલું હોવાથી પ્રમાણતાને પામેલ છે. અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞાનીની કલ્પનામાત્ર નથી. અન્યવાદીઓએ એટલે જૈન પરમેશ્વર સિવાય બીજાઓએ આગમ બનાવ્યાં છે એમ આ નથી. આ તો અનાદિ અનંત શબ્દબ્રહ્મ, સર્વજ્ઞકથિત અને શ્રુતકેવળીઓ તથા સાક્ષાત્ સાંભળનાર અને અનુભવ કરનાર એમણે કહેલું છે તેથી પ્રમાણ છે. બીજાઓનાં આગમ તો કલ્પિત છે. શ્વેતાંબરોએ પણ કલ્પિત આગમ બનાવ્યાં છે છદ્મસ્થ અલ્પજ્ઞાનીની કલ્પનામાત્ર હોય એવા આ આગમ નથી અલ્પજ્ઞાનીઓનાં કલ્પનામાત્ર આગમો છે તે બધાં અપ્રમાણ છે.
ગાથાસૂત્રમાં આચાર્યે ‘વક્ષ્યામિ’ કહ્યું છે. તેનો અર્થ ટીકાકારે ‘વચ પરિભાષણે’ ધાતુથી પરિભાષણ કર્યો છે. સંસ્કૃત ટીકામાં છેલ્લા શબ્દો છેઃ ‘भाववाचा द्रव्यवाचा च परिभाषणमुपक्रम्यते’– એનો આશય આ પ્રમાણે સૂચિત થાય છેઃ ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પૂર્વમાં બાર વસ્તુ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત’