Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 4199

 

ભાગ-૧ ] ૩૯

અધિકાર છે. તેમાં દશમા વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું, અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યું- પરિભાષા સૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે, તેમાં એક પરિભાષા જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે એટલે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે પ્રમાણે શાસ્ત્રની રચના કરે છે. અહાહા! શ્રુતકેવળીઓએ જે કહેલું તેના અર્થનું જ્ઞાન શ્રી કુંદકુંદાચાર્યને હતું.

આચાર્યે મંગળ અર્થે સિદ્ધને નમસ્કાર કર્યા છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે. જે જ્ઞાયકભાવ છે તે એકલો જ આશ્રય કરવા લાયક છે-ધ્યેયમાં લેવા લાયક છે. પણ અહીં તો સિદ્ધ ભગવાન લીધા છે. સિદ્ધ ભગવાનને પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ છે. વસ્તુ તરીકે આત્મદ્રવ્ય સ્વભાવે શુદ્ધ, શુદ્ધ છે. અહીં શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેવાનું પ્રયોજન છે, ધ્રુવ સ્વરૂપ, શુદ્ધચૈતન્ય કહેવાનું પ્રયોજન છે. તેથી તેને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર (પ્રથમ કળશમાં) કરેલી છે તે અહીં પણ જાણવી.

સિદ્ધોને સર્વ એવું વિશેષણ આપ્યું તેથી તે અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો. એ રીતે ‘શુદ્ધ આત્મા એક જ છે’ એમ કહેનાર અન્યમતીઓનો વ્યવચ્છેદ કર્યો. વેદાન્ત એક સર્વવ્યાપક આત્મા માને છે, પણ એમ છે નહીં. અનંત અનંત આત્માઓ છે એમ કહી વેદાન્તીઓનો વ્યવચ્છેદ કર્યો.

શ્રુતકેવળી શબ્દનો અર્થઃ શ્રુતને અનાદિનિધન પ્રવાહરૂપ આગમ -શબ્દબ્રહ્મ કહ્યું અને કેવળી શબ્દના બે અર્થ કર્યા (૧) સર્વજ્ઞ (૨) પરમાગમને જાણનાર શ્રુતકેવળી. શ્રીમદ્ કુંદકુંદાચાર્યદેવ એમ કહે છે કે અમે તો સર્વજ્ઞ પરમેશ્વર અને શ્રુતકેવળીઓએ કહેલું, જે અનાદિનિધન પરમાગમ-તેનું પરિભાષણ કરીએ છીએ; અમે અમારા ઘરનું કલ્પિત કાંઈ કહેતા નથી. તેથી આ ગ્રંથ પ્રમાણ છે.

હવે આ ગ્રંથનું અભિધેય શું? ધ્યેય શું છે? શબ્દોનો સંબંધ એની સાથે શું છે? ધ્યેય આત્મા વાચ્ય, વાચક એના શબ્દો અને પ્રયોજન શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી એ તો પ્રગટ છે.

શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. અખંડ આનંદ, ચૈતન્ય, ધ્રુવ, પ્રભુ પરમાત્મસ્વરૂપ એ ધ્યેય બતાવવાનું પ્રયોજન છે. જાણે છે પર્યાય ધ્યેય ત્રિકાળી શુદ્ધ આત્મા છે.