ગાથા ૩૬ ] [ ૧૯૩ વીર્યશક્તિ ઇત્યાદિ અનંત શક્તિઓના સામર્થ્યવાળું તત્ત્વ છે તેનો જ્યાં અંતર-સન્મુખ થઈ સ્વીકાર કર્યો ત્યાં આનંદની ધારા પર્યાયમાં વ્યક્ત થઈ. હું તો ઉપયોગમય છું, જે રાગાદિ જણાય છે, ભાવકનું ભાવ્ય થાય છે તે હું નથી. જેમ ધૂળધોયો ધૂળને, બંગડીના કટકાને, પિત્તળની કણીને અને સોનાની કણીને હળવા અને ભારે વજનના લક્ષણભેદથી ભિન્ન કરે છે તેમ આ ભગવાન આત્મા, રાગ અને સ્વભાવને સ્વાદભેદથી ભિન્ન જાણી, જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરી રાગને ભિન્ન પાડે છે. પૂર્ણ આનંદનું ધામ એવા સ્વભાવની સત્તાનો સ્વીકાર હોવાથી જ્ઞાની, આનંદના સ્વાદને અને રાગના સ્વાદને વ્યક્ત પર્યાયમાં ભિન્ન જાણે છે. ભાઈ! ધર્મ બહુ સૂક્ષ્મ છે, અપૂર્વ છે. અનંતકાળમાં અનેક ક્રિયાકાંડ-ભક્તિ, વ્રત, તપ, પૂજા ઇત્યાદિ કર્યાં., પણ આ કર્યું નથી. આનો ઉપદેશ પણ વિરલ છે.
આમ રાગ તરફના વલણને છોડીને ચૈતન્યસ્વભાવના સામર્થ્ય પ્રતિ વલણ કરતાં શક્તિમાંથી આનંદની ધારા સ્વાદમાં આવે છે. તે રાગથી જુદી-ભિન્ન છે. રાગ તો જડ અચેતન છે. તેમાં ચૈતન્યના-જ્ઞાનના કિરણનો અંશ નથી. રાગનો જે સ્વાદ છે તે કલુષિત છે અને ભગવાન ચૈતન્યનો સ્વાદ આનંદ છે. આમ સ્વાદભેદના કારણે બન્ને જુદા પડે છે. જીવને તથા અજીવને તદ્ન જુદા પાડવા છે ને? મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિ છે. તે ચૈતન્યના સ્વાદથી તદ્ન જુદો જણાય છે. આ રીતે ભાવકનો ભાવ જે મોહનો ઉદ્રય છે તેનાથી ભેદજ્ઞાન થયું. એટલે કે કર્મના નિમિત્તે જે રાગભાવ થતો હતો તેને લક્ષણભેદથી ભિન્ન જાણી ભેદજ્ઞાનપૂર્વક આત્માના સ્વભાવથી જુદો પાડયો.
આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; અને તેનો જે ઉદ્રય આવે છે તે કલુષિત મલિન ભાવરૂપ છે. એટલે કે કર્મ જડ અજીવ છે અને તેના નિમિત્તે થતો રાગાદિભાવ તે કલુષિત અને મલિન છે. રાગાદિ વિકારભાવ મોહકર્મનો ભાવ હોવાથી પુદ્ગલનો જ વિકાર છે, એ જ્ઞાયકની અવસ્થા નથી. હવે કહે છે કે ભાવક જે કર્મ છે તેનાથી થયેલો વિકાર જ્યારે ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. પરંતુ ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શન-ઉપયોગમાત્ર છે. એટલે કે ચૈતન્યના સામર્થ્યની વ્યક્તિ જ્ઞાન-દર્શનના પરિણામરૂપ છે પણ રાગદ્વેષના પરિણામરૂપ નથી. ચૈતન્યમાં તો અનંત શક્તિઓનું સામર્થ્ય ભર્યું છે. જ્ઞાનસ્વભાવનું સામર્થ્ય, દર્શનસ્વભાવનું સામર્થ્ય, સુખનું, આનંદનું, સત્તાનું, જીવતરનું એમ અનંત- શક્તિઓનું સામર્થ્ય ભગવાન આત્મામાં ભર્યું છે. આવા અનંત સામર્થ્યમંડિત ચૈતન્યની દશા તો જ્ઞાન-દર્શન-ઉપયોગમય શુદ્ધ જ હોય છે. ઉપયોગમાં બધું જણાય છે તેથી અહીં ઉપયોગની મુખ્યતાથી વાત લીધી છે.