ગાથા ૩૬ ] [ ૧૯પ
પૂર્ણાનંદનો નાથ સ્વભાવનો સાગર છે, ગુણનું ગોદામ છે એમ જેની દ્રષ્ટિ- પ્રતીતિના જોરમાં આવ્યું છે તે આત્મા અંતરમાં વિશેષ વિશેષ સ્થિર થઈને શક્તિની જ્ઞાન અને આનંદની વ્યક્તતાઓ પ્રગટ કરી રાગથી-ભાવકના ભાવથી-ભિન્ન પડી જાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
આ કળશનો ‘કહૈ વિચચ્છન....’ એમ સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસે છંદ લખ્યો છે. છંદ આ પ્રમાણે છેઃ-
ધર્માત્મા જ્ઞાનીને વિચક્ષણ પુરુષ કહેવાય છે. દુનિયાના ડાહ્યા તો ખરેખર પાગલ છે. અહીં સમ્યગ્દ્રષ્ટિ-વિચક્ષણ પુરુષ એમ કહે છે અર્થાત્ એમ વિચારે છે કે-હું તો સદા એક છું. રાગના સંબંધવાળો હું નથી. હું તો જ્ઞાયકની પરિણતિ જે નિર્મળ પ્રત્યક્ષ આસ્વાદરૂપ છે તેના સ્વભાવથી એકરૂપ છું. મારા એકસ્વરૂપમાં બગડે બે એમ બીજા ભાવ-રાગના ભાવનો બગાડ નથી. હું તો નિજ ચૈતન્યરસથી ભરપૂર ભરેલો મારા પોતાના આશ્રયે છું. એટલે કે મારી પર્યાયનો દોર ચૈતન્યના ત્રિકાળી ધ્રુવ (સ્વરૂપ) ઉપર લાગ્યો છે. પર્યાયની ધારા દ્રવ્યથી તન્મયપણે છે તેથી કહ્યું કે સદાય હું એક છું, મારા જ્ઞાનરસથી ભરપૂર, મારા આશ્રયે જ છું. રાગનો આશ્રય મને નથી. અહાહા! હું અતીન્દ્રિય આનંદરસ અને જ્ઞાનરસથી અનાદિથી ભરપૂર ભરેલો છું. એ જ્ઞાનદર્શનસ્વભાવની મને રુચિ થઈ એટલે કે સ્વભાવનો રસ પ્રગટ થયો તેથી રાગના રસની જે રુચિ હતી તે નીકળી ગઈ. રસ એટલે કે તદાકાર-એકાકાર થવું. એક જ્ઞાયકમાં એકાકાર લીન થવું અને બીજે એકાકાર ન થવું તે જ્ઞાન-દર્શનનો રસ છે.
રાગાદિ છે એ તો ભ્રમણાનો કૂવો છે, એ મારું સ્વરૂપ નથી. આ રાગ-દ્વેષ, અને પુણ્ય-પાપનો વિકાર એ ભ્રમકૂપ છે. ભાવકના ભાવથી ઉત્પન્ન થયેલી વિકારી દશા, પર તરફની સાવધાનીની દશા એ મારી નથી. કારણ કે હું તો એકલો શુદ્ધ ચેતનાનો સિંધુ- દરિયો છું. શુદ્ધ ચૈતન્યસિંધુ એ મારું સ્વરૂપ છે. અરે! પોતે આત્મા કોણ છે અને તે કેવો છે એની વાત કદી સાંભળી નહિ અને બહારની કડાકૂટમાં અનાદિથી એમ ને એમ મરી ગયો છે.
જીવ અધિકારની આ બધી આખરની ગાથાઓ છે. તેથી કહે છે કે-‘चेतये स्वयम् अहम् स्वम् इह एकम्’ આ લોકમાં હું પોતાથી જ પોતાના એક આત્મસ્વરૂપને અનુભવું છું.