૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
મારું જ્ઞાયકસ્વરૂપ છે તેને હું વેદનમાં લઉં છું. એક જ્ઞાયકને અનુભવું છું, વેદું છું. મારા વેદનમાં રાગનું વેદન નથી. આવી વાત સમજવામાં પણ કઠણ પડે તો પ્રયોગ તો કયારે કરે? વીતરાગ જિનેશ્વરદેવનો આ માર્ગ અપૂર્વ છે. જેણે ત્રણકાળ ત્રણલોકને કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જાણ્યા તેની દિવ્યધ્વનિમાં આવેલો આ માર્ગ છે અને સંતોએ તે સર્વજ્ઞની વાણી અનુસાર કહ્યો છે.
ધર્મી કહે છે કે હું તે સ્વરૂપને અનુભવું છું જે ‘सर्वतः स्वरसनिर्भरभावं’ સર્વતઃ નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે. પરિણમન એટલે નિર્મળ સ્વભાવવાળું. આ ત્રિકાળી દ્રવ્યની વાત છે. ચૈતન્યનું પરિણમન ચૈતન્યના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલા ભાવવાળું છે. માટે ‘नास्ति नास्ति मम कश्चन मोहः’ આ મોહ મારો કાંઈ પણ લાગતો-વળગતો નથી. તેને અને મારે કાંઈ પણ નાતો-સંબંધ નથી. કારણ કે ‘शुद्धचिद्घनमहोनिधिः अस्मि’ હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું- આમ જ્ઞાની પરિણમનમાં વેદે છે.
શુદ્ધ ચૈતન્ય-આનંદનો સાગર ભગવાન આત્મા છે. જીવત્વ, ચિતિ, દ્રશિ, જ્ઞાન, સુખ, વીર્ય પ્રભુત્વ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનું અનંત અનંત સામર્થ્ય તે આત્મા છે. જે અનંત શક્તિઓ છે તે એક એક શક્તિનું પણ અનંત સામર્થ્ય છે. આવા અનંત શક્તિના સામર્થ્યવાળું મારું તત્ત્વ છે. આવા સ્વરૂપને હું પ્રત્યક્ષ આનંદના આસ્વાદરૂપ અનુભવું છું. હું શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું એમ પરિણતિ વેદે છે, જાણે છે. આ પરિણતિ તે ધર્મ છે. કેટલાક કહે છે કે આ સોનગઢથી નવો ધર્મ કાઢયો. પણ આ કયાં સોનગઢનું છે? આ શુદ્ધચિદ્ઘનમહોનિધિ અનાદિ છે ને? ધર્મી જીવ એમ જાણે છે કે-હું શુદ્ધ ચિદ્ઘન અર્થાત્ શુદ્ધ જ્ઞાનસમૂહનું નિધાન, શુદ્ધઆનંદઘનનું નિધાન, શુદ્ધ વીર્યઘનનું નિધાન, શુદ્ધ ર્ક્તાશક્તિનું નિધાન, શુદ્ધ કર્મશક્તિનું પૂર્ણ નિધાન-ભંડાર છું.
કર્મના ચાર પ્રકાર છે. (૧) કોઈ પણ જડની અવસ્થા થાય તે કર્મ છે. આ શરીરાદિની અવસ્થા છે તે તેના ર્ક્તાનું કર્મ છે. જડ પરમાણુ ર્ક્તા છે. તેનું એ કાર્ય છે એટલે કર્મ છે, પર્યાય છે. જે જડ દ્રવ્યકર્મ છે તે પણ જડ ર્ક્તાનું પરિણમન છે-કર્મ છે.
(૨) પુણ્ય-પાપનો વિકાર, મિથ્યાત્વનો ભાવ તે ભાવકર્મ-વિકારી કર્મ છે. રાગ- દ્વેષ-મોહના પરિણામ એ વિકારી કર્મ છે.
(૩) નિર્મળ પરિણતિ તે પણ કર્મ છે. આત્માના આનંદના વેદનની ક્રિયા- શુદ્ધતાનો અનુભવ તે પણ નિર્મળ પરિણમનરૂપ કર્મ છે.
(૪) ત્રિકાળ રહેનાર શક્તિ-સામર્થ્ય અંદર પડયું છે તે પણ કર્મ છે. કાર્ય થવાનું સામર્થ્ય છે તે કર્મશક્તિ છે. કાર્ય થવાનું સામર્થ્ય પોતાનામાં હોવાથી તેના કાર્ય માટે નિમિત્ત કે પરની અપેક્ષા નથી. કાર્યરૂપ થવાની કર્મશક્તિ વસ્તુમાં ત્રણેકાળ પડી છે.