ગાથા ૩૭ ] [ ૨૦૧ ગુરુ, શાસ્ત્ર અને ધર્માદિ છ દ્રવ્યો એ બધા પરજ્ઞેયો છે અને એ જ્ઞેયોથી મને લાભ છે એવી માન્યતા મિથ્યાદર્શન છે. એ મિથ્યાદર્શનને મટાડનાર જ્ઞેયભાવથી ભેદજ્ઞાનની વાત હવે ગાથામાં કહે છેઃ-
પોતાના નિજરસથી જે પ્રગટ થયો છે-કોણ? કે જ્ઞાનની પરિણતિ. જ્ઞાનના પ્રકાશની પરિણતિ-દશા પોતાના નિજરસથી પ્રગટ થયેલ છે. જ્ઞાનની પરિણતિ જ્ઞેયોને જાણે છે તેથી જ્ઞેયોને કારણે થઈ છે એમ નથી. એ તો જ્ઞાનના સ્વરસથી જ પ્રગટ થયેલી છે, પોતાના પ્રકાશથી જ પરિણમેલી છે. વળી તેનો નિવારણ ન કરી શકાય તેવો ફેલાવ છે. ચૈતન્યની પરિણતિ એવી પ્રકાશમય છે કે એનો ફેલાવ નિવારી શકાય એમ નથી. તથા તેનો સમસ્ત પદાર્થોને ગ્રસવાનો સ્વભાવ છે. એટલે કે બધાય જ્ઞેયોને-ચાહે તે શરીર હો, ભગવાન હો, મૂર્તિ હો, દેવ હો, ગુરુ હો કે શાસ્ત્ર હો-એ બધાય જ્ઞેયોને પોતાના સ્વભાવથી, જ્ઞેયોના કારણે નહિ, જાણવાનો તેનો સ્વભાવ છે. ગ્રસવાનો એટલે ગળી જવાનો, જ્ઞાનમાં જાણી લેવાનો. જ્ઞાનનો સ્વભાવ સમસ્ત પદાર્થોને ગ્રસવાનો છે છતાં તે જ્ઞાનનું પરિણમન જ્ઞેયને લઈને થતું નથી. જેમ અરીસામાં જે પરચીજનું પ્રતિબિંબ જણાય છે તે પરચીજ નથી, તેમ જ અરીસામાં એ પરચીજ આવી નથી. વળી અરીસામાં પરિણતિ થઈ છે (પ્રતિબિંબ પડયું છે) તે પરચીજને કારણે નથી. પરંતુ અરીસાની સ્વચ્છતાને લઈને પરચીજનો એમાં ભાસ થયો છે. પરચીજ જાણે અરીસામાં આવી હોય તેમ જણાય છે છતાં તે અરીસાની સ્વચ્છતાની દશા છે, તે કાંઈ પરચીજ નથી. તથા સામે પરચીજ છે તેને લઈને અરીસાની સ્વચ્છતાની પરિણતિ થઈ છે એમ પણ નથી. તેમ આ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનો પોતાની દશામાં પરચીજને જાણવાનો-ગ્રહવાનો-ગ્રસવાનો-કોળિયો કરી જવાનો સ્વભાવ છે. સમસ્ત પદાર્થોને ગ્રસવાનો-જાણવાનો તેનો સ્વભાવ છે. ચાહે તો સર્વજ્ઞ પરમેશ્વર હો, સમોસરણ હો કે મંદિર હો-એ બધાયને પોતાના ચૈતન્યના પ્રકાશના સામર્થ્યથી તેનો જાણવાનો સ્વભાવ છે.
આવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય એવી રીતે પદાર્થો આત્મામાં પ્રકાશમાન છે. એટલે કે પ્રચંડ જ્ઞાનના સામર્થ્ય વડે જ્ઞાનમાં બધા પદાર્થો જાણવામાં આવ્યા હોવાથી, જાણે જ્ઞાનમાં બધા જ્ઞેયો પેસી ગયા હોય અર્થાત્ જ્ઞાનમાં તદ્રાકાર થઈ ડૂબી રહ્યા હોય એવી રીતે તેઓ આત્મામાં પ્રકાશમાન છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પદાર્થ છે, જગતની ચીજ છે. તે કેવળી ભગવાને જોયેલા છે. સર્વજ્ઞ પરમેશ્વર સિવાય તે પદાર્થો કોઈએ જોયા નથી. ધર્માસ્તિકાય તેમ જ