ગાથા ૩૭ ] [ ૨૦૩
પ્રશ્નઃ– કર્મ તો જીવને હોય છે ને?
ઉત્તરઃ– ભાઈ! કર્મ તો જીવનાં ન હોય કેમકે એ તો જડ પુદ્ગલમય છે. જીવને તો જ્ઞાન પોતાનું હોય છે. (જીવને કર્મ છે એ તો સંયોગ બતાવનારું વ્યવહારનું કથન છે.) ભગવાન! એકવાર તારા ચૈતન્યનું સામર્થ્ય કેટલું છે એ જો તો ખરો. તારા જ્ઞાનનો સ્વભાવ તો પરને, પરના આશ્રય વિના જાણે તેવો છે. પરની હયાતી છે માટે પરને જાણે છે એમ નથી. (પરથી નિરપેક્ષ સહજ તારો જાણવાનો સ્વભાવ છે.)
આ ધર્મની વાત ચાલે છે. પર પદાર્થોનું જ્ઞાન કરવાનો મારો સહજ સ્વભાવ છે એમ જાણવું એનું નામ ધર્મ છે. ધર્મ એટલે શું? કે પરપદાર્થ અને મારે કાંઈપણ સંબંધ નથી. પરંતુ પરપદાર્થ સંબંધી જ્ઞાન કરવાનું મારામાં સ્વપરપ્રકાશક સામર્થ્ય છે. એ સ્વપરપ્રકાશક સામર્થ્યમાં સ્વનું પરિણમન કરવું એ ધર્મ છે. સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી તેથી જ્ઞેયજ્ઞાયક સંબંધ કહેવો એ પણ વ્યવહાર છે. ભગવાન! આ લોકાલોકની હયાતી છે માટે કેવળજ્ઞાનીની પરિણતિ કેવળજ્ઞાનરૂપ થાય છે એમ નથી. પરંતુ જ્ઞાનનું પરિણમન પોતાના સ્વભાવના સામર્થ્યથી જ કેવળજ્ઞાનરૂપ થાય છે. જ્ઞાનના સ્વભાવનું સામર્થ્ય જ એટલું છે કે તે સ્વને જાણે અને પરને જાણે. પરની હયાતી હોવા છતાં જ્ઞાન, પરની હયાતીને કારણે નહિ, પણ પોતાની જ્ઞાનની સત્તાના સામર્થ્યને લઈને તે સ્વપરને જાણે છે.
પ્રશ્નઃ– તો શું ભગવાનથી પણ કાંઈ લાભ ન થાય? ભગવાનની વાણીથી પણ લાભ ન થાય?
ઉત્તરઃ– ના, કેમકે ભગવાન અને ભગવાનની વાણી પરજ્ઞેય છે, પર પદાર્થ છે- આત્માનો સ્વભાવ તો પર પદાર્થને પરપદાર્થની હયાતીમાં જાણવાનો છે. છતાં જ્ઞાન, પરની હયાતીના કારણે નહિ, પણ પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનના સામર્થ્યની પરિણતિને કારણે જાણે છે. આ સમયસારજીની ગાથા ૩૨૦ માં ત્યાંસુધી આવે છે કે-ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે બંધને જાણે, મોક્ષને જાણે, ઉદ્રયને જાણે અને નિર્જરાને જાણે; માત્ર જાણે. લ્યો, હવે શું બાકી રહ્યું? પોતે જ્ઞાનસ્વભાવી પ્રભુ છે ને? ઉદ્રય પર તરીકે જ્ઞેય, બંધ પર તરીકે જ્ઞેય, નિર્જરા પર તરીકે જ્ઞેય અને કર્મનું છૂટવું તે પણ પર તરીકે જ્ઞેય છે. માટે આત્મા ઉદ્રય, બંધ, નિર્જરા અને મોક્ષને જાણે જ છે, કરતો નથી. જેમ દ્રષ્ટિ માત્ર પરને જાણવાનું કામ કરે પણ પરને ટકાવવાનું, બદલાવવાનું પરિણમન કરાવવાનું કે પરિણમન ફેરવવાનું કામ ન કરે. તેમ ભગવાન આત્મા લોકની આંખ છે. એ ચૈતન્યની દ્રષ્ટિનું પરિણમન તો જ્ઞાનરૂપે છે. પોતાના સામર્થ્યથી પોતામાં રહીને, પરને સ્પર્શ કર્યા વિના બધાં દ્રવ્યોને જ્ઞેય તરીકે જાણવાનો તેનો સ્વભાવ છે. તો હવે આમાં પરની દયા હું પાળી શકું એ કયાં રહ્યું? અહાહા! તત્ત્વ કેટલું સ્પષ્ટ છે! આવું બીજે કયાંય નથી. આ તો સનાતન માર્ગ છે.