ગાથા ૩૮ ] [ ૨૧પ
इतिश्रीसमयसारव्याख्यायामात्मख्यातौ पूर्वरङ्गः समाप्तः। ____________________________________________________________
નિજાનંદ રસમેં છકો, આન સબૈ છિટકાય.
આ પ્રમાણે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસાર શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત) આત્મખ્યાતિ નામની ટીકામાં પૂર્વરંગ સમાપ્ત થયો.
ભગવાન આત્મા વિકારના ભાવોથી અને જ્ઞેયભાવોથી ભેદજ્ઞાન કરી ભિન્ન પડતાં પોતાના સ્વરૂપની પ્રતીતિ-જ્ઞાન રમણતારૂપે પરિણમ્યો. ત્યાં દર્શન-જ્ઞાન- ચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આત્માને સ્વરૂપનું સંચેતન-વેદન કેવું હોય છે એનું કથન કરતાં આચાર્યદેવ હવે (૩૮ મી ગાથામાં) સંકોચે છેઃ-
‘જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો’- શું કહ્યું? કે અનાદિ મોહરૂપ અજ્ઞાનને લઈને જીવ ચારગતિમાં રખડે છે. જુઓ, અહીં એમ નથી કહ્યું કે અનાદિ કર્મને લઈને રખડે છે. કર્મ બિચારાં શું કરે? મોહરૂપ અજ્ઞાનના કારણે તેને ઉન્મત્તપણું છે. પોતે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન છે તેને ભૂલીને પુણ્ય-પાપના પરિણામ અને તેના ફળને પોતાનાં માને તેને ઉન્મત્ત એટલે પાગલ કહ્યો છે. આ શેઠિયા બધા જે એમ માને કે અમે કરોડપતિ અને અજબપતિ અને ગૌરવ કરે તે બધા મોહથી ઉન્મત્ત-પાગલ છે એમ અહીં કહે છે. પોતાના સ્વરૂપની સાવધાની છોડીને જીવ વિકાર અને સંયોગી ચીજમાં સાવધાન થઈ રહ્યો છે એ મિથ્યાત્વ-મોહ છે.
‘અનાદિ મોહરૂપ અજ્ઞાનથી....’ એ શબ્દોથી પહેલાં શરુ કર્યું છે. આ ગાથામાં જીવ અધિકાર પૂરો કરવો છે ને? એટલે જીવનું પૂર્ણસ્વરૂપ પ્રાપ્ત થાય ત્યારે કેવો હોય અને એ પહેલાંની એની ભૂલ કેવી હોય એ બતાવે છે. પૈસા, ધન-દોલત, આબરૂમાં મજા-આનંદ માનતો તે મોહ વડે પાગલ હતો, અત્યંત અપ્રતિબુદ્ધ હતો. અહાહા! આત્મા એક સમયમાં જ્ઞાન, આનંદ ઇત્યાદિ અનંત અનંત શક્તિઓનો પિંડ છે. પણ એના ઉપર એની અનંતકાળમાં નજર ગઈ નથી, કેમકે વર્તમાન પર્યાય જે વ્યક્ત-પ્રગટ છે તેના ઉપર એની નજર છે. જૈનનો સાધુ થયો, દિગંબર મુનિ થયો, જંગલમાં રહ્યો, પણ એની દ્રષ્ટિનું જોર વર્તમાન પર્યાય ઉપર જ રહ્યું; કેમકે પર્યાયનો જે અંશ છે એ પ્રગટ છે, તેને ખ્યાલમાં આવે છે તેથી તેમાં જ રોકાઈ ગયેલો છે. પ્રગટ પર્યાય ઉપર દ્રષ્ટિ છે તે લંબાય તો રાગ અને પર ઉપર જાય છે. તેથી પર્યાયનો, રાગનો અને પરનો જ તેને (આત્માપણે) સ્વીકાર છે. આ અનાદિ ભ્રમણા અને અજ્ઞાન છે અને તે વડે તે અપ્રતિબુદ્ધ છે.