૨૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
વળી કોઈ કહે કે જૈનમાં તો બધું કર્મને લઈને થાય છે એમ આવે છે એટલે જીવ કર્મને લઈને અપ્રતિબુદ્ધ છે એમ કહો તો? ભાઈ! એ બરાબર નથી. કર્મ તો જડ અચેતન છે. એ જડને લઈને તારામાં શું થાય? ‘કર્મથી થયું’ એમ આવે એ તો નિમિત્ત બતાવનારું કથન છે, કર્મથી જીવમાં કાંઈ થાય છે એમ છે જ નહિ. જીવ અનાદિ મોહરૂપ અજ્ઞાન વડે જ અપ્રતિબુદ્ધ છે. હવે એવો જીવ પોતે સુલટો પરિણમે ત્યારે એને સમજાવનાર કેવા ગુરુનું નિમિત્ત હોય છે તે કહે છે.
અનાદિથી જે મોહરૂપ અજ્ઞાનથી અપ્રતિબુદ્ધ હતો તે ‘વિરક્ત ગુરુ વડે સમજાવવામાં આવતાં’-જુઓ અહીં સમજાવનાર ગુરુ વિરક્ત લીધા છે. જે સમ્યગ્દ્રષ્ટિ હોય અને ચારિત્ર સહિત હોય તે નિર્ગ્રંથ મુનિરાજ સાચા ગુરુ છે. જે અંતરમાં રાગથી છૂટા પડી ગયા છે અને બહારમાં વસ્ત્ર-પાત્રથી રહિત છે તેને સાચા નિર્ગ્રંથ ગુરુ કહે છે. એવા વિરક્ત ગુરુ વડે ‘નિરંતર સમજાવવામાં આવતાં’-નિરંતર સમજાવવામાં આવતાં એટલે ગુરુ કાંઈ ચોવીસે કલાક સમજાવવા નવરા હોતા નથી, પરંતુ ગુરુએ એને જે સમજાવ્યું એ વાતની સાંભળનાર શિષ્યને એવી ધૂન લાગી ગઈ કે નિરંતર એ એના ચિન્તનમાં રહે છે. તેથી અહીં ‘નિરંતર સમજાવવામાં આવતાં’ એમ કહ્યું છે.
શ્રી ગુરુએ તેને કહ્યું કે-પ્રભુ! તારી ચીજ વિકાર અને કર્મથી ભિન્ન છે. તું અનંત અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. જુઓ, આવી દેશના દેનાર દિગંબર ભાવલિંગી સંત હોય છે એમ અહીં કહ્યું છે. અજ્ઞાનીની દેશના ધર્મ પામવામાં નિમિત્ત હોઈ શક્તી નથી. જૈન દર્શનમાં સાધુ દિગંબર હોય છે અને તે વનવાસી હોય છે. તે રાગથી વિરક્ત અને સ્વરૂપમાં વિશેષ રક્ત હોય છે. આવા નિર્ગ્રંથ ગુરુની દેશના ધર્મ પામવામાં નિમિત્ત થાય છે. એવા ગુરુ પાસેથી જે દેશના મળે તેને સાંભળીને શિષ્ય નિરંતર ઓગાળે છે, વિચારે છે. તેથી ‘નિરંતર સમજાવવામાં આવતાં’ એમ અહીં લીધું છે.
શ્રીગુરુએ દેશનામાં કહ્યું કે-ભગવાન! તું ચૈતન્યસ્વરૂપ છે. તારામાં અનંત ગુણો ભર્યા છે. અહાહા! પ્રભુ, તું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા એવા પૂર્ણ સ્વભાવની અનંત શક્તિઓનું સંગ્રહાલય-સ્થાન છે; તું વિકાર અને દેહનું સ્થાન નથી. આ સાંભળનાર શિષ્યને એવી સ્વભાવની ધૂન ચડી કે તેને ચોટ લાગી અને તે કોઈ પ્રકારે મહાભાગ્યથી આત્મા સમજી ગયો. મહાભાગ્યથી એટલે મહાપુરુષાર્થ વડે તેણે સ્વસંવેદન પ્રગટ કરી લીધું. આત્મા અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાન્તિ અને અનંત ઈશ્વરશક્તિનો સમુદાય છે એવું સમ્યગ્દર્શનમાં તેને ભાન થયું. આવું સમજીને-ભાન કરીને શિષ્ય સાવધાન થયો, સ્વરૂપ પ્રતિ સાવધાન થયો. અનંતકાળમાં જે નહોતું કર્યું અને જે કરવા યોગ્ય હતું તે