ગાથા ૩૮ ] [ ૨૩૩ સમ્યગ્દ્રષ્ટિ બનાવે છે. સમ્યગ્દ્રષ્ટિ અજ્ઞાનીને અંતરની વાત સમજાવે છે કે-ભાઈ! આ રાગાદિ અને શરીરાદિ છે એ તો બાહ્ય સ્વાંગ છે, તારી ચીજ નથી. એ તારામાં નથી અને તું એમાં નથી. રાગ, પુણ્ય અને શરીર એ જીવના અધિકારમાં નથી. જીવના અધિકારમાં તો જ્ઞાન, દર્શન, વીર્ય, આનંદ, શાન્તિ ઇત્યાદિ છે. ભગવાન! તું તો જ્ઞાયકસ્વભાવી ત્રિકાળ અખંડ એકરૂપ વસ્તુ છે. તારી પર્યાયમાં પણ જ્ઞાન અને આનંદનો રસ આવે એવું તારું સ્વરૂપ છે. તેથી રાગાદિનું લક્ષ છોડી અંતરમાં એકાગ્ર થા. તેથી શાંતરસ પ્રગટ થશે, અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થશે.
રાગથી ભિન્ન આત્મા ચિદાનંદઘન પ્રભુ અતીન્દ્રિય આનંદનો નાથ છે એમ સમકિતી મિથ્યાદ્રષ્ટિ જીવને બતાવે છે. ત્યાં એમ જાણનાર પોતે આનંદના નાથમાં સમાઈ જાય છે. રાગથી ખસીને નિરાકુળ આનંદ અને શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણી, ભ્રમ મટાડી, શાંતરસમાં લીન થઈ અજ્ઞાની સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે. તેની સૂચનારૂપે રંગભૂમિના અંતમાં આચાર્યે ‘मज्जन्तु’ ઇત્યાદિ આ શ્લોક રચ્યો છે. તે, હવે જીવ-અજીવનો સ્વાંગ વર્ણવશે તેની સૂચનારૂપે છે એવો આશય સૂચિત થાય છે. આ પ્રમાણે અહીં સુધી રંગભૂમિનું વર્ણન થયું.
મરીને પણ-મહાકષ્ટે પણ (ઉગ્ર પુરુષાર્થ કરીને) તમે તત્ત્વને દેખો. સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે જેવો કહ્યો છે તેવા નિજ જ્ઞાનાનંદસ્વરૂપી આત્મામાં ઠરો. કહે છે કે-ભાઈ! તું રાગના રસને છોડી દે. રાગને અને રાગના રસને મારી નાખ. તું આ જીવતા જીવને જીવતો જો. (રાગથી જીવની હિંસા થાય છે). ચૈતન્યજીવન વડે જીવતા ભગવાન આત્માને જાણીને રાગથી નિવૃત્ત થા. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ભાવ આકુળતા અને દુઃખ છે. તેમાં તને જે રસ આવે છે તે છોડી દે. શાન્તરસનો સમુદ્ર ભગવાન આત્મા છે. તેમાં નિમગ્ન થઈ શાંતરસને પ્રાપ્ત થા. આત્માના આનંદના રસમાં છકી જા, અત્યંત લીન થઈ જા. સમકિતી, સંતો અને સર્વે ભગવંતો આનંદરસસમુદ્ર એક ભગવાન આત્માને બતાવે છે. તેથી બીજું બધુંય છોડી એક નિજાનંદરસમાં અત્યંત લીન થાઓ.
આ પ્રમાણે જીવ-અજીવ અધિકારમાં પૂર્વરંગ સમાપ્ત થયો.