૨૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ હો, પણ તે પ્રત્યેક સ્વાંગને માત્ર જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણે જ છે. બંધના સ્વાંગને પણ માત્ર જાણે અને મોક્ષના સ્વાંગને પણ માત્ર જાણે છે. રાગાદિનો ભાવ હોય તેનો પણ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાતા જ છે. એ જ્ઞાતા છે તે જ ખરેખર જ્ઞાયક છે.
સમ્યગ્દ્રષ્ટિ વાસ્તવિક સ્વાંગના જોનારા છે અને જે મિથ્યાદ્રષ્ટિઓની સભા છે તેને પણ યથાર્થ સ્વરૂપ બતાવે છે. નૃત્ય કરનારા અર્થાત્ બદલનારા-પરિણમનારા જીવ- અજીવ દ્રવ્યો છે. તે બન્ને એકરૂપ લઈને પ્રવેશ કરે છે. જીવ દ્રવ્ય રાગ અને શરીરની સાથે એક છે એવા સ્વાંગ આવે છે, વળી જીવ ર્ક્તા અને પર એનું કાર્ય, જીવ ર્ક્તા અને રાગ એનું કાર્ય એવા (ર્ક્તાકર્મના) સ્વાંગ પણ આવે છે. ત્યાં સમ્યગ્દ્રષ્ટિ જીવ-અજીવના અને સ્વભાવ-વિભાવના ભિન્ન ભિન્ન સ્વરૂપને યથાર્થ જાણે છે. સમ્યગ્દ્રષ્ટિને પણ રાગ આવે, પણ તે રાગને પોતાથી ભિન્ન જાણે છે. તે તો આ સર્વ સ્વાંગોને કર્મકૃત જાણી શાંતરસમાં જ મગ્ન રહે છે, રાગાદિ-દયા, દાન અને કામ, ક્રોધ ઇત્યાદિ જે વિકલ્પો આવે તે બધા કર્મકૃત સ્વાંગ છે, મારા પોતાના સ્વાંગ નથી. હું તો એક માત્ર જ્ઞાયકસ્વરૂપ છું એમ અંતરએકાગ્રતા કરી તે શાંતરસમાં લીન રહે છે. અહાહા! ભગવાન આત્મા આનંદ અને શાંતરસનો પિંડ પ્રભુ એકલો જ્ઞાયક છે. તેનું જેને અનુભવમાં સમ્યક્ ભાન થયું તે જીવ રાગાદિ કે શરીરાદિના સંયોગને પોતાથી ભિન્ન જાણે છે અને આત્માના આનંદના રસમાં નિમગ્ન થાય છે.
અને મિથ્યાદ્રષ્ટિ જીવો જીવ-અજીવનો ભેદ જાણતા નથી. એ તો આ રાગ મારો, શરીરાદિ મારાં એમ રાગ અને શરીરાદિ સાથે એકપણું કરી જાણે છે. રાગને તો ભાવકભાવ કહ્યો છે. ભાવક એટલે કર્મ. રાગ કર્મના નિમિત્તે થનારો ભાવ છે માટે તેને ભાવકભાવ કહ્યો છે. એ કાંઈ સ્વભાવભાવ નથી. (જીવની) પર્યાયમાં થાય છે તોપણ એ સ્વભાવભાવ નથી. રાગાદિ જે નિશ્ચયથી અજીવ છે તેને પોતાના માનીને અજ્ઞાની એમાં જ લીન થઈ જાય છે અને અશાંતભાવને સેવે છે. શરીર, રાગ, પુણ્ય, પાપ ઇત્યાદિ સ્વાંગ છે તે અજીવ છે. ખરેખર એ ભગવાન આત્માના સાચા પહેરવેશ-ભેખ નથી. છતાં અજ્ઞાની એ સર્વ સ્વાંગને પોતાના સ્વરૂપમય સાચા જાણી તેમાં તલ્લીન થાય છે અને આકુળતા વેદે છે.
ધર્મ એ બહુ ઝીણી ચીજ છે, ભાઈ! આત્મા જ્ઞાયકસ્વરૂપ છે એવું જ્યાં ભાન થયું ત્યાં જીવને પર્યાયમાં રાગાદિનો સંયોગ આવે, અજીવનો સંયોગ થાય, ચક્રવર્તી આદિ પદનો સંયોગ આવે તોપણ એ સર્વને પોતાના જ્ઞાનસ્વભાવમાં અર્થાત્ શાંતરસસ્વરૂપ ભગવાન આત્મામાં સ્થિત રહીને (ભિન્ન) જાણે છે. અહો! વસ્તુ આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ ઇત્યાદિ ગુણોનો પિંડ છે. તેને જેણે નિજ સ્વરૂપપણે અનુભવ્યો છે તે ધર્માત્મા શાંતરસમાં નિમગ્ન રહીને પરને (પરપણે) માત્ર જાણે છે. અજ્ઞાની તેને (પરને) પોતાના માનીને આકુળતામય અશાંતભાવમાં રહે છે.
તેમને (અજ્ઞાનીઓને) સમ્યગ્દ્રષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી