૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
પરમાર્થરૂપ ભગવાન આત્મા તો શુભાશુભભાવથી પાર શુદ્ધ, શુદ્ધ, શુદ્ધ એવી એક શુદ્ધતાનો-પવિત્રતાનો પિંડ છે. આવો જે પરમાત્મા શુદ્ધ છે તેને એવો શુદ્ધ નહિ જાણતાં ઘણા અજ્ઞાનીજનો, શ્રાવક અને સાધુ નામ ધરાવીને પણ, પર એવા રાગને, અધ્યવસાનને, વિભાવને આત્મા કહે છે. એ બધા નપુંસકપણે વર્તતા અત્યંત વિમૂઢ છે.
તે અજ્ઞાનીઓ એમ કહે છે કે શુભભાવ શુદ્ધમાં જવાની નિસરણી છે. પહેલાં અશુભથી છૂટી શુભમાં આવે, પછી તે વડે શુદ્ધમાં જવાય-એમ તેઓ કહે છે. પણ ભાઈ, એ પરમાર્થે નિસરણી નથી. શું રાગથી કદી વીતરાગપણામાં જવાય? રાગ દશાની દિશા પર તરફ છે, અને વીતરાગદશાની દિશા સ્વ તરફ છે. બન્નેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જેની દિશા વિરુદ્ધ છે એને શુદ્ધભાવની નિસરણી કેમ કહેવાય? પર તરફ ડગ માંડતાં માંડતાં સ્વમાં કેમ જવાય? શાસ્ત્રોમાં જે વ્યવહારને નિશ્ચયનું સાધન કહ્યું છે એ તો નિશ્ચય સાથે જે વ્યવહાર નિમિત્તરૂપ હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી રહ્યું છે.
શુભભાવથી ધર્મ મનાવે એ શાસ્ત્ર યથાર્થ નથી. કુંદકુંદાચાર્યદેવે બહુ મોટેથી પોકારીને કહ્યું છે કે મુનિ તો નગ્ન દિગંબર જ હોય. વસ્ત્રસહિત હોય તે મુનિ ન હોય. તેમ છતાં જે વસ્ત્રસહિત મુનિ મનાવે, સ્ત્રીનો મોક્ષ થવો મનાવે, પંચમહાવ્રતના પરિણામથી નિર્જરા થવી મનાવે, એવી અનેક અન્યથા વિપરીત વાતો કહે તે શાસ્ત્ર જૈનશાસ્ત્ર નથી, તે વીતરાગ શાસન નથી. (આવા મિથ્યા અભિપ્રાયો સઘળા મિથ્યાદર્શન છે).
વળી, કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે મેલું જે અધ્યવસાન તે જ જીવ છે, કારણ કે જેમ કાળાપણાથી અન્ય જુદો કોઈ કોલસો જોવામાં આવતો નથી તેમ એવા અધ્યવસાનથી જુદો અન્ય કોઈ આત્મા જોવામાં આવતો નથી. રાગથી લાભ થાય એવો મિથ્યા અભિપ્રાય તે અધ્યવસાન છે. તે અધ્યવસાનથી જુદો કોઈ આત્મા નથી એમ કોઈ કહે છે.
આ અજીવ અધિકાર છે. રાગાદિ વિભાવ પરિણામ એ અજીવ છે. જીવ તો નિત્ય સચ્ચિદાનંદસ્વરૂપ છે. એ કાંઈ વિભાવમાં આવતો નથી.
વળી, કોઈ કહે છે કે અનાદિ જેનો પૂર્વ અવયવ છે અને અનંત જેનો ભવિષ્યનો અવયવ છે એવી જે એક સંસરણરૂપ ક્રિયા તે-રૂપે ક્રીડા કરતું જે કર્મ તે જ જીવ છે, કારણ કે કર્મથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી. (અથવા બીજી રીતે લઈએ તો, વળી કોઈ કહે છે કે અનાદિ અનંત જેનો પરિપાટીરૂપ રાગદ્વેષરૂપ ક્રિયાનો વ્યાપાર છે, તે અવયવને ધારણ કરનાર અવયવી આત્મા રાગદ્વેષમય જ દેખાય છે. અને ચાલ્યા આવતા દ્રવ્યકર્મનો પ્રવાહ તથા તેમાં જોડાણરૂપ રાગાદિ ભાવકર્મ તે અનાદિ સંતાનરૂપ જેનું સ્વરૂપ છે, તે આત્મા છે, તેનાથી જુદું સ્વરૂપ અમને ભાસતું નથી. જડ કર્મનો ઉદ્રય અને તેના સંગે રાગરૂપ ક્રિયા એ જ જેનું અનાદિ અનંત કર્મ છે, તે જ આત્મા છે,