સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ] [ ૯ આ ધર્મ છે વા ધર્મનું સાધન છે તો તે જીવ નપુંસક છે, કેમકે તે શુદ્ધભાવમાં આવી શક્તો નથી. આવી ધર્મની વાત કોઈ અલૌકિક અને સૂક્ષ્મ છે, ભાઈ! ધર્મની પ્રજા (પર્યાય) જે છે એ તો શુદ્ધ છે, કેમકે ભગવાન આત્મા પોતે પરમ પવિત્ર શુદ્ધ સ્વરૂપ છે. એ પવિત્રના આશ્રયે પવિત્રતા જ પ્રગટે છે. અને પવિત્રતા પ્રગટે એ જ ધર્મ છે.
શ્રી સમયસારજી પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન કરેલું છે. ત્યાં એમ લીધું છે કે આત્મામાં એક વીર્ય નામની શક્તિ છે. તે સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ છે. પોતાના સ્વરૂપની રચના કરે તે વીર્યશક્તિનું કાર્ય છે. પરંતુ સ્વરૂપની રચના કરવાના બદલે જે દયા, દાન, વ્રત, કરુણા ઇત્યાદિ શુભભાવને-રાગને રચે એને અહીં નપુંસક કહ્યો છે. જે રાગભાવને રચે એ આત્માનું બળ નહિ, એ આત્માનું વીર્ય નહિ.
ભગવાન આત્મા અનંતબળસ્વરૂપ વસ્તુ છે. એનો બળગુણ પરિણમીને નિર્મળતા પ્રગટાવે, સમ્યગ્દર્શનાદિ નિર્મળ નિશ્ચયરત્નત્રય પ્રગટાવે એવું એનું સ્વરૂપ છે. પરંતુ કોઈ એમ કહે કે ભગવાનની સ્તુતિ, વંદના, સેવા-પૂજા કરો, વ્રતાદિ પાળો; તેથી આત્મ-લાભ થશે. તો એમ કહેનારા અને માનનારા બધા વીર્યગુણને જાણતા નથી અને તેથી આત્માને પણ જાણતા નથી. ભાઈ! જ્ઞાન અને શુદ્ધતા જેનો સ્વભાવ છે એવા નિર્મળાનંદ પ્રભુ આત્માના લક્ષે, જે નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિર્મળ શુદ્ધ જ્ઞાનના પરિણામ થાય તે વડે જણાય એવી આત્મા વસ્તુ છે. પરંતુ અન્ય કોઈ સાધન-વ્રત, તપ, પૂજા, ભક્તિ કે વ્યવહારરત્નત્રયના સાધન વડે આત્મા જણાય એવી એ ચીજ નથી. નિશ્ચયરત્નત્રય જે પ્રગટ થાય છે તે સ્વભાવના બળના પુરુષાર્થે પ્રગટ થાય છે, વ્યવહારરત્નત્રય છે માટે પ્રગટ થાય છે એમ નથી.
પ્રશ્નઃ– પરમાત્મપ્રકાશ દ્રવ્યસંગ્રહ, ઇત્યાદિ શાસ્ત્રોમાં આવે છે ને કે વ્યવહાર સાધન છે?
સમાધાનઃ– ભાઈ! એ તો નિશ્ચય પ્રગટ થાય ત્યારે બાહ્ય નિમિત્ત શું હોય છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. કરણ (સાધન) નામનો આત્મામાં એક ગુણ છે. આ ગુણ વડે આત્મા પોતે જ પોતાના નિર્મળ ભાવનું સાધકતમ સાધન છે. તેથી અંતર્મુખ થઈ નિજ સ્વભાવને સાધનપણે ગ્રહણ કરી પરિણમતાં જે નિર્મળ (નિશ્ચયરત્નત્રયની) પર્યાય પ્રગટ થાય એ સાધન ગુણનું કાર્ય છે. (વ્યવહારરત્નત્રયનું કાર્ય નથી, વ્યવહારરત્નત્રય તો ઉપચારથી સાધન કહેવામાત્ર છે).
પુણ્યભાવથી (ધર્મનો) લાભ છે, એ આત્માનું ર્ક્તવ્ય છે એમ માનનારા અત્યંત વિમૂઢ છે. ‘અત્યંત વિમૂઢ’ એવા કડક શબ્દો આચાર્યદેવે વાપર્યા છે. પણ એમાં આચાર્ય દેવની ભારોભાર કરુણા છે.