૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
શુભભાવથી રહિત આત્મા ચૈતન્યસ્વરૂપ છે એમ વ્યવહારશ્રદ્ધામાં એણે માન્યું હતું, વ્યવહારશ્રદ્ધામાં એટલે અચેતન શ્રદ્ધામાં (રાગમાં) માન્યું હતું. પણ વસ્તુ જે ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ એકલો જ્ઞાયકસત્ત્વપણે બિરાજમાન છે તેનું અંતરમાં માહાત્મ્ય કર્યું નહિ. માહાત્મ્ય એને પુણ્ય અને પાપમાં રહી ગયું. એણે એમ તો સાંભળ્યું હતું કે શુદ્ધ આત્માનું વેદન કરે તે આત્મા છે, પણ એ પુણ્ય-પાપ સહિતના વેદનની ધારણા હતી. જે જ્ઞાયક અખંડ ચૈતન્યશક્તિ નિત્યાનંદરૂપ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એકાકાર એ જ ખરેખર આત્મા છે. પર્યાયમાં એનો સ્વીકાર કરીને આ ચૈતન્યતત્ત્વ એ જ હું છું એમ વેદન કર્યા વિના આ હું છું એમ વિકલ્પમાં ધારણા કરી હતી. પરંતુ પ્રત્યક્ષ વેદન કરીને એમાં અહંપણું એણે ન કર્યું. સ્વભાવની અંતરમાં જઈને ‘આ હું છું’ એવી પ્રતીતિ કરી નહિ. અંતરમાં જઈને એટલે કાંઈ વર્તમાન પર્યાય ધ્રુવમાં એક થઈને એવો તેનો અર્થ નથી. અંતરમાં જઈને એટલે સ્વસન્મુખ થઈને. પર્યાય જ્યારે ધ્રુવની સન્મુખ થાય છે ત્યારે પરિપૂર્ણ તત્ત્વનો પ્રતિભાસ થાય છે.
૧૪૪ મી ગાથાની ટીકામાં એ વાત લીધી છે કે-‘શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ કેવળ એક આખા વિશ્વની ઉપર જાણે તરતો હોય તેમ, અખંડ પ્રતિભાસમય....’ એટલે પર્યાયમાં અખંડનો પ્રતિભાસ થાય છે. અખંડ વસ્તુ છે તે પર્યાયમાં આવતી નથી પણ અખંડ પ્રતિભાસમય જે આત્મા તેનું જ્ઞાન પર્યાયમાં આવે છે. પર્યાયમાં પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે અને એવું જણાય ત્યારે પર્યાયમાં પરમાત્મપણું કાર્યપણે પરિણમે છે. પર્યાય છે તે ખંડ છે, અંશ છે. તે જ્યારે વસ્તુ તરફ ઢળે છે ત્યારે તેમાં અખંડ પ્રતિભાસમય વસ્તુ આખી જણાય છે.
ખરેખર તો દ્રવ્ય, ગુણ. પર્યાયમાં (ત્રણેમાં) પ્રમેયત્વગુણ વ્યાપેલો છે. તેથી પર્યાયમાં (જ્ઞાનમાં) દ્રવ્ય, ગુણ, પર્યાય જણાય છે. પરંતુ અજ્ઞાનીને, ત્રિકાળી પોતાનામાં જણાય છે એવું લક્ષ નથી કેમકે એની દ્રષ્ટિ અંતર્મુખ નથી. અંતર્મુખ જ્ઞાનની વાત એણે પર્યાયમાં ધારી હતી, પરંતુ જ્ઞાનની વર્તમાન પ્રગટ અવસ્થાને સ્વજ્ઞેયમાં ઢાળી ન હતી. તેથી ધારણામાં આવ્યું છતાં રહી ગયો અજ્ઞાની. જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે એ, ત્રિકાળી વસ્તુ અને પોતાને (પર્યાયને) પણ જાણે છે એવું એણે ધારણામાં લીધું હતું, પણ વસ્તુનો જે સ્વભાવ છે તેને એ અડયો નહોતો. જ્ઞાન, જ્ઞાનને જાણે તો છે, પણ હું જ્ઞાનને જાણું છું એવી એને ખબર નથી. જ્ઞાન જ્ઞાનને જાણે છે એમ નક્કી થાય તો આખું જ્ઞેય એમાં જણાય છે એ પણ નક્કી થઈ જાય.
શ્રી નિયમસારની ૩૮ મી ગાથામાં એમ આવે છે કે પર્યાય છે એ તો વ્યવહાર આત્મા છે. મોક્ષમાર્ગની પર્યાય એ પણ વ્યવહાર છે. નિશ્ચય આત્મા તો ત્રિકાળી શુદ્ધ