સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ] [ ૧૩
એક સમયની પર્યાય છે તે વ્યક્ત છે, પ્રગટ છે અને વસ્તુ (આત્મા) છે તે અવ્યક્ત છે. અવ્યક્ત એટલે કે પર્યાય જે પ્રગટ-વ્યક્ત છે તેમાં વસ્તુ આવતી નથી માટે તે અવ્યક્ત છે. વસ્તુ છે તે પર્યાયમાં આવતી નથી, પણ એનું જ્ઞાન પર્યાયમાં આવે છે. ખરેખર તો જ્ઞાનની પર્યાય છે એમાં જ્ઞાયક ચૈતન્ય જ જણાઈ રહ્યો છે. જ્ઞાનનો નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વભાવ હોવાથી, જ્ઞાયક એમાં જણાઈ જ રહ્યો છે, પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર નથી. પર્યાયબુદ્ધિ વડે પુણ્ય-પાપનું કરવું અને શાતા-અશાતાપણે સુખ-દુઃખનું ભોગવવું એ જ જીવ છે એમ અજ્ઞાની માને છે.
જે શુદ્ધભાવનો ર્ક્તા અને અતીન્દ્રિય આનંદનો ભોક્તા છે તે જીવ છે એ વાત અજ્ઞાનીને બેસતી નથી. એનો નિર્ણય કરવાનો પણ એને કયાં સમય છે? પરંતુ ભાઈ! આત્મા નથી, નથી એવો નિર્ણય તું જ્ઞાનમાં કરે છે કે પુણ્ય-પાપના ભાવમાં કે સુખ-દુઃખની કલ્પનામાં? સુખ-દુઃખની કલ્પના તો અચેતન છે. તથા શુભ-અશુભ ભાવ પણ અચેતન જડ છે. અચેતન એવાં તેઓ ચૈતન્યસ્વરૂપ જીવ નથી એવો નિર્ણય કેમ કરે? જો એ નિર્ણય ચેતન કરે છે એમ કહો તો એનાથી (કર્મથી) જુદો જીવ છે એમ સાબિત થઈ જાય છે. પરંતુ પર્યાય જેનું સર્વસ્વ છે એવા અજ્ઞાની જીવને કર્મ જુદાં પડે અને આત્મા એકલો રહે એવું કાંઈ દેખાતું નથી. તેથી આત્મા અને કર્મ બેઉ ભેગાં થઈને જીવ છે એમ તે માને છે.
આમ તો નવમી ગ્રૈવેયક ગયો ત્યારે શાસ્ત્રમાંથી ધારણારૂપે આ વાત તો જાણી હતી કે શુભાશુભ ભાવ અને સુખ-દુઃખની કલ્પનાથી આત્મા જુદો છે. પણ એ વાત ધારણારૂપે હતી, વસ્તુતત્ત્વની દ્રષ્ટિ કરી નહોતી. અગિયાર અંગ ભણ્યો એમાં આ વાત તો આવી હતી. ત્યારે એ ઉપદેશ પણ એમ જ આપતો હતો કે શુભાશુભ ભાવથી ભિન્ન અખંડ એક આત્મવસ્તુ છે. પણ અરે! એણે શુભાશુભ ભાવથી ભિન્ન પડી આત્મા અનુભવ્યો નહિ. ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે એમાં એની દ્રષ્ટિ ગઈ નહિ.
અહીં (આ ગાથામાં) તો સ્થૂળપણે જે એમ માને છે કે કર્મથી જુદો જીવ જોવામાં આવતો નથી એની વાત લીધી છે. પણ ખરેખર અગિયાર અંગના પાઠી અજ્ઞાનીની પણ અંદર તો આ જ માન્યતા છે. શુભાશુભ ભાવનું કરવાપણું વસ્તુમાં નથી, વસ્તુ તો જ્ઞાયક છે એમ તેણે ધારણ તો કરી હતી. પરંતુ પર્યાયબુદ્ધિ ટળી નહોતી. કર્મ અને આત્મા જુદા છે એમ નવતત્ત્વને તો એ જાણતો હતો. પણ જુદા છે એને જુદા કરી શકયો નહોતો. આ જ્ઞાનદર્શનરૂપ ચૈતન્યશક્તિ એવું જે સ્વતત્ત્વ, તે પુણ્ય-પાપ અને સુખ-દુઃખના વેદનથી ભિન્ન છે એમ એણે ધાર્યું તો હતું; પણ ભેદજ્ઞાન પ્રગટ કરી ભિન્નતા કરી નહિ, દિશાને ફેરવી નહિ. પર અને પર્યાય ઉપર જે લક્ષ હતું એ ત્યાં જ અકબંધ રહ્યું. સ્વદ્રવ્યની સન્મુખતા કર્યા વિના વિમુખપણે માત્ર બહારથી ધારણા કરી. પણ તેથી શું? આત્મા કાંઈ પરલક્ષી શાસ્ત્રજ્ઞાનથી જણાય એવી ચીજ નથી.