Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 534 of 4199

 

૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ જાણનારાઓ તેમને સત્યાર્થવાદી કહેતા નથી. વસ્તુના સ્વરૂપને યથાર્થ જાણનારા ગણધરાદિ મહંતો તેમને સાચા કહેતા નથી.

* ગાથા ૩૯ થી ૪૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જીવ-અજીવ બન્ને અનાદિથી એકક્ષેત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે. બન્ને આકાશના એક ક્ષેત્રે રહેલાં છે. અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકાર-સહિત અવસ્થા થઈ રહી છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પુદ્ગલ પોતાના મૂર્તિક, જડત્વ આદિને છોડતું નથી. આત્મા પોતાના જ્ઞાન-દર્શનસ્વરૂપ, આનંદસ્વરૂપ, શાંતસ્વરૂપ, સ્વચ્છતાસ્વરૂપ ઇત્યાદિ નિજ સ્વભાવને કદીય છોડતો નથી. પર્યાયમાં અનેક પ્રકારના વિકારી ભાવ થવા છતાં, વસ્તુ પોતાની અનંત શક્તિથી ભરેલો જે એક ચૈતન્યસ્વભાવ છે તેને કેમ છોડે? જીવ મટીને અજીવ કેમ થાય? (કદીય ન થાય). તેવી જ રીતે પુદ્ગલ પણ પોતાનું જડત્વ છોડી જીવરૂપ કેમ થાય? (ન જ થાય).

જીવ-અજીવ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં જ સ્થિત રહે એવી વસ્તુના સ્વરૂપની મર્યાદા છે. પરંતુ જેઓ પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. પરમાર્થે જીવનું સ્વરૂપ, પુદ્ગલથી ભિન્ન સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાનાં આગમથી જાણી શકાય છે. તેથી જેમના મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. વેદાંતી, મીમાંસક, સાંખ્ય યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે કહે છે તે કયાં સુધી કહેવા?

એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે હવે આગળની ગાથામાં કહે છેઃ-

[પ્રવચન નં. ૮૭, ૮૮ * દિનાંક ૬-૬-૭૬ થી ૭-૬-૭૬]