Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 538 of 4199

 

૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ધ્રુવ અખંડ એકાકાર છે તે ગુણવિશેષરૂપે થતી નથી. સામાન્ય ચિદ્રૂપ ચીજ જે ધ્રુવ છે તેમાં ગુણો છે તો ખરા, પણ ગુણ અને ગુણીનો ભેદ જ્યાં લક્ષમાં લેવા જાય ત્યાં વિકલ્પ-રાગ ઊઠે છે. તેથી સામાન્ય જે છે તે ગુણવિશેષને નહિ આલિંગન કરતું શુદ્ધ દ્રવ્ય છે એમ ત્યાં કહ્યું છે. સૂક્ષ્મ વાત છે, ભાઈ! સમ્યગ્દર્શનનો વિષય અભેદ એકાકાર છે, ગુણ-ગુણીભેદ એ સમ્યક્ત્વનો વિષય નથી. ભેદના લક્ષે નહિ, પણ પૂર્ણ સત્ વસ્તુ જે અભેદ એકરૂપ સામાન્ય ચૈતન્યસ્વરૂપ છે તેના લક્ષે સમ્યગ્દર્શન થાય છે.

આ સમજવું પડશે, હોં. જેમ વંટોળિયાનું તરણું કયાં જઈને પડે એનો કોઈ મેળ નથી તેમ આની સમજણ વિના મિથ્યા ભ્રમમાં પડેલો જીવ ચોરાશીના અવતારમાં કયાં જઈને પડે એનો કાંઈ મેળ નથી. વસ્તુ જે ત્રિકાળ અભેદ છે તેમાં ભેદની નજરથી જોતાં ભેદ છે તોપણ વસ્તુ કદીય ભેદપણે થતી નથી. વસ્તુનું સ્વરૂપ જ સહજ આવું છે.

આ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને સાક્ષાત્ દેખનારા ભગવાન અર્હંતદેવો વડે, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા છે. જુઓ, શ્રી અરિહંતદેવ વિશ્વને એટલે કે સમસ્ત પદાર્થોને સાક્ષાત્ જાણે-દેખે છે. ભગવાનને કેવળજ્ઞાન-કેવળદર્શનમાં સ્વપરપ્રકાશકપણાનું સંપૂર્ણ સામર્થ્ય પ્રગટયું છે. તેથી તેઓ આખા વિશ્વને દેખે છે, જાણે છે.

ખરેખર તો સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે. કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એટલો અને એવડો છે કે તે સ્વ અને પરને સંપૂર્ણ પ્રકાશે. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયનો એ સહજ જ સ્વભાવ છે કે એ સમસ્ત વિશ્વને જાણે. સ્વપરપ્રકાશકપણાનું સામર્થ્ય પોતાથી જ પ્રગટયું છે. અરિહંતદેવ વિશ્વને સાક્ષાત્ દેખે છે એટલે કે પોતાની પર્યાયમાં પૂર્ણતાને દેખે છે. જેમ રાત્રિના સમયે કોઈ સરોવરના પાણીમાં તારા, ચંદ્ર વગેરે દેખાય છે તે ખરેખર તો પાણીની જ અવસ્થા દેખાય છે તેમ જ્ઞાન ખરેખર તો જ્ઞાનને જ સંપૂર્ણ જાણી રહ્યું છે.

શ્રી અરિહંતદેવને કેવળજ્ઞાનની દશા એવી સ્વચ્છ અને નિર્મળ પ્રગટ થઈ છે કે એને દેખતાં આખું લોકાલોક જણાઈ જાય છે. અહીં સિદ્ધ ભગવંતોની વાત લીધી નથી કેમકે સિદ્ધોને અરિહંતની જેમ વાણી (દિવ્યધ્વનિ) હોતી નથી. એવા વીતરાગ, સર્વજ્ઞ અરિહંતદેવો વડે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, શીલ, સંયમ આદિ જે વિકલ્પો-શુભભાવો છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં આવ્યા છે. અહાહા! જે ભાવે તીર્થંકર-નામકર્મ બંધાય તે ભાવને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે.

પ્રશ્નઃ– શુભભાવોને અચેતન એવા પુદ્ગલદ્રવ્યના પરિણામમય કેમ કહ્યા?

સમાધાનઃ– વસ્તુ આત્મા છે એ તો ચૈતન્યઘનસ્વરૂપ છે. અને આ શુભભાવો છે તે ચૈતન્યના સ્વભાવમય નથી. શ્રી સમયસાર ગાથા ૬૮ ની ટીકામાં લીધું છે કે-‘કારણના