Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 555 of 4199

 

સમયસાર ગાથા-૪૪ ] [ ૩૭ વીતરાગતાને ઓળખીને નમસ્કાર કરું છું. જુઓ, આ નિર્ગ્રંથ સંતોની અમૃત વાણી! આનું નામ પરમાગમ અને શાસ્ત્ર છે.

અહીં કહે છે કે-પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય. અહીં રાગનો અભ્યાસ કરવાનું નથી કહ્યું. રાગાદિ પર વસ્તુ ગમે તે પુરુષાર્થથી પણ પ્રાપ્ત ન થાય. પર વસ્તુ છે ને? પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે. અહાહા! વિજ્ઞાનઘન-સ્વભાવપણે અસ્તિ ધરાવતી પોતાની ચીજ પ્રત્યક્ષ મોજૂદ છે. પણ તેને પોતે ભૂલી ગયો છે. ચેતીને એટલે જાણીને જો દેખે તો પાસે જ છે, કેમકે તે પોતે જ છે. જુઓ તો ખરા, શ્રી જયચંદ પંડિતે કેવો સરસ ભાવાર્થ ભર્યો છે! કહે છે કે અંતરમાં જાગ્રત થઈને જુએ તો તે પોતે જ છે. તેનો અભ્યાસ કરતાં તે પ્રાપ્ત થાય જ.

અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. સ્વરૂપની પ્રાપ્તિ તો અંતર્મુહૂર્તમાત્રમાં થાય છે. પરંતુ શિષ્યને બહુ કઠણ લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. સમજવામાં છ મહિનાથી અધિક સમય નહિ લાગે. તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે.

[પ્રવચન નં. ૮૯ થી ૯૧ * દિનાંક ૮-૬-૭૬ થી ૧૦-૬-૭૬]