૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છે. એને પરંપરા કારણ શી રીતે કહીએ? વિપાકને પ્રાપ્ત કર્મના ફળપણે કહેવામાં આવેલા તે અધ્યવસાનાદિ ભાવો દુઃખરૂપ છે. તે પરંપરા મોક્ષનું (સુખનું) કારણ કેમ હોય?
ભગવાન આત્મા ત્રિકાળ અનાકુળ આનંદસ્વભાવથી વસ્તુ છે. અનાકુળ સુખ આત્માનો સ્વભાવ છે. એવો જે સુખ નામનો અતીન્દ્રિય અનાકુળ આત્મસ્વભાવ છે તેનાથી પુણ્ય-પાપના ભાવ વિલક્ષણ છે, વિરુદ્ધ લક્ષણવાળા છે. સવારે કહ્યું હતું ને કે સક્કરકંદ જેમ સાકરની મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનથી જોઈએ તો જ્ઞાનમય છે અને સુખથી જોઈએ તો સુખમય છે. આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. તેમાં અનાકુળ અતીન્દ્રિય આનંદ વસેલો છે. તેમાં કાંઈ પુણ્ય-પાપના વિકલ્પ વસેલા નથી. એ પુણ્ય-પાપના વિકલ્પ, ચાહે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ હો, ચૈતન્યથી વિલક્ષણ એટલે વિરુદ્ધ લક્ષણવાળા, આકુળતા-લક્ષણવાળા છે.
હવે કહે છે કે એ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો, પુણ્ય-પાપના ભાવો દુઃખમાં જ સમાવેશ પામે છે. આત્મા તો જ્ઞાનમય, શ્રદ્ધામય, શાન્તિમય, વીતરાગતામય, અતીન્દ્રિય આનંદમય છે. આત્માનો જે અનાકુળ આનંદમય સ્વભાવ છે તેનાથી વિલક્ષણ પુણ્ય-પાપ દુઃખરૂપ છે. જે ભાવ દુઃખરૂપ છે તે સુખનું સાધન કેમ થાય? તે સાધન નથી પણ (બાધક હોવા છતાં) સાધન કહેવામાં આવે છે. જેમ મોક્ષમાર્ગ બે પ્રકારે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે તેમ સાધન બે પ્રકારે નથી પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. નિશ્ચય સમક્તિ થાય ત્યારે સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય તેને વ્યવહાર સમક્તિ કહે છે. ખરેખર રાગ છે તે તો ચારિત્રનો દોષ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની, છ દ્રવ્યની કે નવતત્ત્વની જે શ્રદ્ધા છે એ તો વિકલ્પ છે, રાગ છે. પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શનનો સહચર દેખીને તેને સમક્તિનો આરોપ આપ્યો છે. શુભભાવ નિશ્ચયથી તો ઝેર છે, પણ નિશ્ચય સમક્તિનો સહચર જાણી તેને અમૃતનો આરોપ આપ્યો છે. અહીં કહે છે કે રાગાદિ ભાવો સધળા આકુળતાલક્ષણ દુઃખમાં જ સમાવેશ પામે છે. તેથી ખરેખર તે અજીવ છે. જીવ વસ્તુ તો જ્ઞાનાનંદસ્વભાવી છે અને આ પુણ્ય-પાપ આદિ ભાવો એનાથી વિલક્ષણ એટલે વિપરીત સ્વભાવવાળા દુઃખસ્વરૂપ છે, ઝેરરૂપ છે. આગળ જતાં તેને વિષકુંભ કહ્યો છે.
પ્રશ્નઃ– શ્રીમદ્માં આવે છે ને કે-
ઉત્તરઃ– સાધન એટલે? આ રાગની મંદતા એ સાધન? રાગની મંદતા સાધન છે જ નહિ. એ રાગાદિનાં સાધન તો આકુળતાલક્ષણ દુઃખમાં સમાવેશ પામે છે એમ અહીં કહ્યું છે. શ્રીમદે તો નિશ્ચયના લક્ષે સાધનની વાત કહી છે. નિશ્ચય સાધન કરવાની વાત કહી છે.