સમયસાર ગાથા-૪પ ] [ ૪૧
ભાઈ! ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે મારી સામે જોતાં તને રાગ થશે. એ રાગ છે તે દુઃખમાં સમાવેશ પામે છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદસ્વરૂપ છે. તેની અપેક્ષાએ સ્ત્રી આદિ વિષય તરફ લક્ષ જાય, કે ભગવાનની વાણી ઉપર લક્ષ જાય, એ બન્ને સરખાં છે. સ્ત્રી આદિના લક્ષે અશુભ ભાવ થાય અને ભગવાનની વાણીના લક્ષે શુભભાવ થાય. એ બન્નેનેય (સમયસાર ગાથા ૩૧માં) ઇન્દ્રિય કહ્યા છે. અને ઇન્દ્રિયોને જીતવાનું કહ્યું છે. અર્થાત્ એમાંથી ખસી જવાનું કહ્યું છે. એટલે ભગવાનના આશ્રયે રહેવું એમ કહ્યું નથી. ભગવાનના આશ્રયે તો શુભરાગ થશે અને તે શુભરાગ દુઃખરૂપ જ છે. અહો! આવી હિતની વાત દિગંબર જૈનદર્શન સિવાય અન્યત્ર કયાંય નથી.
ભગવાન! તારો સ્વભાવ તો અનાકુળ આનંદ છે ને! તે છોડીને તને જે રાગનો વિકલ્પ ઊઠે, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ ઊઠે તે આકુળતાલક્ષણ દુઃખરૂપ છે. પદ્મનંદી સ્વામીએ પદ્મનંદી પંચવિંશતિમાં ચિદાનંદ ચૈતન્યસ્વરૂપમાંથી બહાર નીકળી જે બુદ્ધિ શાસ્ત્ર ભણવામાં અટકી છે તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી છે. અહા! ગજબ વાત છે! ભાઈ! વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સમજવું પડશે.
શ્રી કુંદકુંદાચાર્યદેવ ભગવાન પાસે આઠ દિવસ રહ્યા હતા. ભરતક્ષેત્રમાંથી જ્યાં સીમંધર પરમાત્મા બિરાજે છે ત્યાં વિદેહક્ષેત્રમાં ગયા હતા. તે ભગવાનની આ વાણી છે. આ ગાથામાં તે પોતે કહે છે કે આ સર્વજ્ઞનું વચન છે કે શુભભાવો પુદ્ગલથી ઉત્પન્ન થયેલા ભાવો છે, જીવદ્રવ્યથી ઉત્પન્ન થયેલા નથી. પુદ્ગલના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે માટે તે પુદ્ગલમય જ છે. ભગવાન આત્મા અનાકુળ આનંદસ્વરૂપ છે અને પુણ્ય છે એ તેનાથી વિપરીત લક્ષણવાળો ભાવ દુઃખરૂપ છે; અનાકુળ આનંદસ્વભાવી આત્મામાં એનો સમાવેશ થતો નથી. પર્યાયમાં જે શુભરાગ છે, પુણ્યભાવ છે તે દુઃખ છે, તેથી નિશ્ચયનયથી તેને આત્મસ્વભાવ સાથે સંબંધ નથી. તથા સ્વભાવનો જે પર્યાયમાં અનુભવ થાય તે નિર્મળ નિર્વિકારી પર્યાય સાથે પણ તે શુભરાગનો સંબંધ નથી.
ચિન્માત્ર વસ્તુનો જે અનાકુળ આનંદ સ્વભાવ તે જેણે સાધ્યો છે તથા તેમાં જ દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા થતાં જેને નિરાકુળ આનંદનો પ્રગટ સ્વાદ આવ્યો છે તેવા ધર્મી જીવના મંદરાગના ભાવને (સહચર દેખી) પરંપરા કારણ કહ્યું છે. તેણે સ્વભાવ તરફનું જોર કરીને શુભના કાળે અશુભભાવ ટાળ્યો છે. ખરેખર તો સ્વભાવના જોરના કારણે અશુભ ટળ્યો છે, પણ તેને બદલે શુભભાવથી અશુભ ટળ્યો એમ આરોપ કરીને કહ્યું છે. મિથ્યાદ્રષ્ટિને સ્વભાવ તરફનું જોર જ નથી. તેથી તેને અશુભ ટળ્યો જ નથી. તેથી તેને શુભભાવ જે થાય છે તે શુભભાવ ઉપર પરંપરા કારણનો આરોપ આપી શકાતો નથી.