૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સૌથી મોટું મિથ્યાત્વનું પાપ છે. તેનો તેણે નાશ કર્યો નથી. તેથી મિથ્યાદ્રષ્ટિના બધાંય ભાવોને અશુભ કહ્યા છે.
હવે કહે છે એ રાગાદિ ભાવો ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલસ્વભાવો છે. જુઓ, એકકોર રામ અને એકકોર ગામ. ‘નિજપદ રમે સો રામ’. ચિદાનંદ ભગવાન નિજપદ છે. તેમાં રમતાં રમતાં જે આનંદ આવ્યો તેનો રાગ સાથે સંબંધ છે જ નહિ. (રામ અને રાગ ભિન્ન છે). અજ્ઞાનીને અનાકુળ આનંદમૂર્તિ આત્મા અને રાગ એકમેક છે એવો ભ્રમ ઉપજે છે, પણ રાગાદિ ભાવો ચૈતન્યના સ્વભાવમાં છે જ નહિ.
સાધકને જ્ઞાનધારા અને રાગધારા બન્ને સાથે વર્તે છે. પરંતુ જે રાગધારા છે તે પુદ્ગલના સંબંધે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવના સંબંધે ઉત્પન્ન થયેલી નથી. અહીં એમ કહેવું છે કે સાધકને વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે તે દુઃખમાં સમાવેશ પામે છે અને તેથી તે આત્માનો સ્વભાવ નથી. ભાઈ, અનંત મહિમાવંત તારી ચીજ છે તેની તને મોટપ કેમ આવતી નથી? રાગથી લાભ થાય એમ રાગની મોટપ આવે છે પણ એ તો ભ્રમ છે, મિથ્યાત્વ છે.
ચૈતન્ય ચિદાનંદ પ્રભુ તારો નાથ છે. નાથ એટલે શું? નાથ એટલે નિજ ચૈતન્ય- સ્વભાવનો આશ્રય કરતાં જે શાન્તિ અને આનંદની નિર્મળ દશા પ્રગટી તેની રક્ષા કરનારો છે, તથા વર્તમાનમાં પરિપૂર્ણ શાન્તિ અને પરિપૂર્ણ આનંદની દશા જે નથી પ્રગટી તેને મેળવી આપનારો છે. તેથી આત્માને નાથ કહીએ છીએ. મળેલાની રક્ષા કરે અને નહિ મળેલાને મેળવી આપે તેને નાથ કહેવાય છે. પ્રગટ શાંતિ અને વીતરાગતાની રક્ષા કરતાં કરતાં ક્રમશઃ પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન મેળવી આપે એવો ભગવાન આત્મા નાથ છે. પરંતુ રાગને રાખે અને રાગને મેળવી આપે એવું આત્માનું સ્વરૂપ નથી.
સત્યને સત્યરૂપે રાખજે, ભાઈ. શ્રીમદે કહ્યું છે કે વસ્તુને વસ્તુ તરીકે રાખજે, ફેરફાર કરીશ નહિ. ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી નિરાકુળ સુખસ્વરૂપ છે. તેને તેમાં રાખજે. રાગમાં આત્મા આવી ગયો એમ ન માનીશ.
શ્રી બનારસીદાસજીએ આ પદ સમયસાર નાટકમાં લખ્યું છે. શુદ્ધ આનંદઘન પ્રભુ ચૈતન્યસ્વરૂપ આત્મા અંદર બિરાજે છે. તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય એવો સહજ સ્વભાવ છે. પરંતુ પરના આશ્રયે ત્રિકાળમાં (ત્રણ કાળમાં) સમ્યગ્દર્શન ન થાય.
સમયસાર, બંધ અધિકારમાં આવે છે કે-પરને જીવાડું, મારું, સુખી-દુઃખી કરું, પરના પ્રાણોની રક્ષા કરું, તેમને હણું, પરને સુખનાં સાધન આપું, દુઃખનાં સાધન આપું ઇત્યાદિ જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એવી માન્યતાનો ભગવાને નિષેધ