પહેલાં (બીજા બોલમાં) જે દર્શન-જ્ઞાન આવ્યું હતું તે દેખવા-જાણવાની વાત હતી. અહીં ‘દર્શન-જ્ઞાન-ચારિત્રમાં’ દર્શન કહેતાં સમ્યક્દર્શનની વાત છે. શુદ્ધ, અભેદ ચૈતન્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનની રુચિ તે સમ્યક્દર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન અને તેમાં રમણતા-સ્થિરતા તે ચારિત્ર. તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી યુગપદ્ સ્વને એકત્વપણે જાણતો અને પરિણમતો-તે સ્વસમય જાણ એમ કહે છે.
સાત બોલથી જીવના સ્વરૂપને કહી ચરિત્ત-દર્શન-જ્ઞાનસ્થિતની વ્યાખ્યા કરતાં કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિની વાત કરી છે. સર્વ પરદ્રવ્યોથી ભિન્ન પડી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયતવૃત્તિ-એટલે ત્રિકાળ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વપણે વર્તવાપણું છે તે ભેદજ્ઞાન છે. આવું ભેદજ્ઞાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે.
એક સમયમાં કેવલજ્ઞાન-કેવલદર્શનજ્યોતિથી બિરાજમાન ચૈતન્યસૂર્ય ભગવાન અરિહંતદેવ પરમાત્મા જેમનું નામ-સ્મરણ કરવું પણ ભલું છે-કેમકે ગુણવાળું નામ છે ને? -એવા ભગવાને સ્વસમયના સ્વરૂપનું વર્ણન કરતાં એમ કહ્યું છે કે-જે આત્મા પરથી ભિન્ન પડી પોતાના દર્શનજ્ઞાનસ્વભાવમાં એકત્વ પામે છે તેને તું સ્વસમય જાણ, એમ સર્વજ્ઞની કહેલી વાત અહીં આચાર્યદેવ કહે છે.
અહા! કેવી સ્પષ્ટ વ્યાખ્યા કરી છે? સત્નો ઢંઢેરો પીટયો છે.
પાઠમાં ‘जीवो चरित्तदंसणणाणट्ठिदो’– સ્વસમયની વાત પ્રથમ કરી છે. હવે પરસમયની વાત કરે છે. ‘જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચિતપ્રવૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ-રાગ-દ્વેષાદિ ભાવોમાં એકતારૂપે લીન થઈ પ્રવર્તે છે ત્યારે પુદ્ગલકર્મના કાર્મણસ્કંધરૂપ પ્રદેશોમાં સ્થિત થવાથી પરદ્રવ્યને પોતાની સાથે એકપણે એકકાળમાં જાણતો અને રાગાદિરૂપ પરિણમતો એવો તે ‘પરસમય’ એમ પ્રતીત કરવામાં આવે છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરે જોયેલ આત્માની વાત છે. અજ્ઞાનીઓ, જેઓ આત્માને જોયા અને જાણ્યા વિના કહે એમની વાત નથી. દર્શનજ્ઞાનસ્વભાવી આત્મા અનાદિ અજ્ઞાનથી મોહમાં પડી, પોતાના સ્વભાવથી છૂટી રાગદ્વેષને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો વર્તે છે ત્યારે તે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી એને ‘પરસમય’ એમ પ્રતીત કરવામાં આવે છે એટલે કે તે પરસમય છે એમ જાણવામાં આવે છે.
આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એમ દ્વિવિધપણું પ્રગટ થાય છે.