Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 584 of 4199

 

૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ બોલમાં જીવને પુદ્ગલદ્રવ્યની શબ્દ અવસ્થાથી ભિન્ન કહ્યો છે. એ રીતે જીવ પોતે શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે.

ત્રીજો બોલઃ– પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. શું કહે છે? આ જે કાન છે ને તેનો સ્વામી ભગવાન આત્મા નથી. કાન તો જડ પરમાણુમય છે. તેનો સ્વામી આત્મા કેમ હોય? અને તે જડના અવલંબને આત્મા શબ્દને કેમ સાંભળે? કાનના આલંબનથી આત્મા શબ્દને જાણે છે એમ છે જ નહિ. આ ભગવાનની વાણી છે ને દિવ્યધ્વનિ? અરે! વાણી તો જડ છે. ભગવાનને વળી વાણી કેવી? ‘ભગવાનની વાણી’ એ તો નિમિત્તથી કહેવાય છે. એ ભગવાનની વાણીને જીવ કાનના આલંબન દ્વારા જાણે છે એમ છે નહિ, કારણ કે કાન તો પુદ્ગલની પર્યાય છે અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ પોતે, તેનાથી તદ્ન ભિન્ન છે. જો કાનના આલંબનથી તે સાંભળે તો તે જડનો સ્વામી ઠરે, પણ જડનો સ્વામી તો આત્મા છે જ નહિ, તેથી પોતે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે સાંભળતો નથી માટે અશબ્દ છે.

ચોથો બોલઃ– પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. શુદ્ધ જ્ઞાયકમાત્રવસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો ક્ષાયોપશમિકભાવ અખંડ આત્મસ્વરૂપમાં નથી. સ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્માને ભાવેન્દ્રિય છે જ નહિ. શુદ્ધ આત્મવસ્તુમાં ભાવેન્દ્રિયનો અભાવ છે તેથી ભાવેન્દ્રિયના આલંબન વડે આત્મા સાંભળતો નથી માટે તે અશબ્દ છે. આવું સ્વરૂપ છે તેને એ રીતે યથાર્થ નક્કી કરીને જાણવું જોઈએ. ‘जाण’ શબ્દથી આત્માને આવો જાણ એમ આચાર્યદેવે કહ્યું છે.

પાંચમો બોલઃ– સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન-પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદનાપરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. જુઓ, જ્ઞાન એકલા શબ્દને જ જાણે એવું તેનું સ્વરૂપ નથી. પરંતુ બધા જ વિષયોને અખંડપણે ગ્રહણ કરે એવું તેનું સ્વરૂપ છે. માટે કેવળ શબ્દવેદના પરિણામને પામીને એટલે કેવળ શબ્દનું જ જ્ઞાન પામીને આત્મા શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે.

છઠ્ઠો બોલઃ– સકળ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ‘શબ્દનું જ્ઞાન’ એ તો નિમિત્તથી કહ્યું છે. ખરેખર તો એ જ્ઞાનનું જ્ઞાન છે; પણ એ જ્ઞાન શબ્દ સંબંધીનું છે એટલું બતાવવા ‘શબ્દનું જ્ઞાન’ એમ કહ્યું છે. શબ્દ છે તે જ્ઞેય છે અને શુદ્ધ આત્મા જ્ઞાયક છે. જ્ઞેય-જ્ઞાયકના એકરૂપપણાનો નિષેધ છે તેથી શબ્દને જાણવા છતાં જાણનારો પોતે