Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 60 of 4199

 

ભાગ-૧ ] પ૩

કરવાની વાત છે. આ ત્રિકાળી નિશ્ચયપ્રાણની વાત કરી. અશુદ્ધનિશ્ચયથી અશુદ્ધભાવ ક્ષાયોપશમિક ભાવપ્રાણથી જીવે તેને જીવ કહેવામાં આવે છે. અશુદ્ધપ્રાણથી જીવે છે તે અજ્ઞાની છે. વળી જડ શરીર, ઈંદ્રિય, મન-વચન-કાયા આદિથી જીવે એ જીવ છે એમ કહેવું તે અસદ્ભૂતવ્યવહાર નયનું કથન છે, કેમકે પોતે જડસ્વભાવ નથી છતાં જડથી જીવે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહાર છે, તે અસત્યાર્થ છે.

અમૃતચંદ્રાચાર્યે પરિશિષ્ટમાં પ્રથમ ‘જીવત્વશક્તિ’ કહી છે. આ જીવત્વશક્તિ દર્શનજ્ઞાનસ્વભાવરૂપ શુદ્ધચૈતન્યભાવપ્રાણરૂપ છે. તે જીવનું વાસ્તવિક જીવતર છે. શુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવરૂપ જે જીવતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા થયાં તે સ્વસમય છે. અનાદિનો પર ઘરમાં ભમતો હતો તે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વઘરમાં આવ્યો તે સ્વસમય છે. એનાથી ઊલટું રાગ-દ્વેષ, દયા, દાન, પુણ્ય-પાપ આદિ પરઘરમાં ભમે તે પરસમય છે.

આ બધું સમજવું પડશે, ભાઈ! આબરૂમાં, પૈસામાં-ધૂળમાં કાંઈ નથી.

હવે પરસમય કોને કહેવાય તે સ્પષ્ટ કરે છે. આત્માને અનાદિ અવિદ્યા કહેતાં અજ્ઞાનથી મોહ પુષ્ટ છે. મોહકર્મ તેમાં નિમિત્ત છે. મોહકર્મ જેનું નિમિત્ત છે એવા મોહના ઉદય અનુસાર અનાદિથી પ્રવૃત્તિ કરે છે- રાગદ્વેષ, પુણ્ય-પાપ દયા, દાન, આદિ વિકારરૂપ પરિણમે છે. આ વિકારી પરિણમનને આધીન થયેલો તે દર્શન- જ્ઞાનસ્વભાવરૂપ આત્મતત્ત્વથી છૂટી ગયો છે. સ્વસમય પરિણમનમાં દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ જે એકતા હોય છે તે અહીં વિકારી પરિણમનને આધીન થયેલો જીવ દર્શન-જ્ઞાનસ્વભાવથી -નિજ શુદ્ધાત્મતત્ત્વથી છૂટી જાય છે એમ કહ્યું છે. તેથી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન એવા મોહ-રાગ-દ્વેષાદિ ભાવો સાથે એકીસાથે એકપણાને પામતો અને જાણતો તે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવાથી પરસમય છે એમ જાણવામાં આવે છે. પુણ્ય-પાપના વિકારીભાવો સાથે એકપણું માનીને વર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ પરસમય છે.

આમ જીવ નામના પદાર્થને દ્વિવિધપણું પ્રગટ થાય છે જે શોભાસ્પદ નથી. એકપણું જ શોભાસ્પદ છે એમ આગળ સિદ્ધ કરશે. દ્વિવિધપણામાં વિસંવાદ ઊભો થાય છે માટે તે સુંદર નથી એમ આગળ ગાથા ૩ માં કહેશે.

* ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. ‘જીવ’ એવો અક્ષરોનો સમૂહ તે ‘પદ’ છે. અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે.