સમયસાર ગાથા-૪૯ ] [ ૮પ
ચિત્શક્તિથી શૂન્ય આ બધા ભાવો પુદ્ગલના જ છે. પર્યાય આત્મા તરફ ઢળવાને બદલે પુદ્ગલ તરફ ઢળી તેથી ઉત્પન્ન થયેલા એ ભાવો પુદ્ગલસંબંધી છે. કયાંક એમ આવે કે રાગાદિ પોતાના અશુદ્ધ ઉપાદાનથી થાય છે, પરને લઈને થતા નથી; તેથી પર્યાયમાં ઉત્પન્ન થવાની તે ક્ષણ છે તેથી એ ઉત્પન્ન થયા છે. ત્યાં અશુદ્ધ ઉપાદાનની સ્વતંત્રતા બતાવવાનો હેતુ છે. જ્યારે અહીં એને પુદ્ગલજન્ય કહ્યા છે તેમાં શુદ્ધ ઉપાદાનમાં એ નથી તથા શુદ્ધ ઉપાદાનના કાર્યભૂત એ નથી એમ બતાવવાનો હેતુ છે.
ભાઈ! આ તારા પરમ હિતની વાત છે. ત્યારે એમાંથી કોઈ એમ પૂછે કે-ઉપદેશમાત્રથી લાભ ન થાય એમ આપ કહો છો અને હિતનો ઉપદેશ તો આપ આપો છો?
સમાધાનઃ– ભાઈ, વાણીના કાળે વાણી નીકળે છે અને સાંભળનારને પણ તેની યોગ્યતાના કાળે એવું નિમિત્ત હોય છે. પણ સાંભળે છે તેથી તથા સંભળાવનાર નિમિત્ત છે તેથી જ્ઞાન થાય છે એમ નથી. ત્યાં તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થવાની એ જન્મક્ષણ જ છે. શ્રી પ્રવચનસારની ૧૦૨ મી ગાથામાં જન્મક્ષણની વાત આવે છે. સ્વસન્મુખ થઈને નિર્મળ પર્યાય થાય તે કાળે તેવી નિર્મળતા થવાનો સ્વકાળ જ છે, અને નિમિત્તાદિ પણ એમ જ છે. છતાં રાગ કે નિમિત્ત છે માટે નિર્મળતા થાય છે એમ નથી. નિર્મળ પર્યાય થવાની યોગ્યતાના કાળે યથાર્થ ઉપદેશનું નિમિત્ત હોય અને ઉપદેશ સાંભળવાનો વિકલ્પ પણ હોય પણ તેથી એ નિમિત્ત કે વિકલ્પ જ્ઞાન કરી દે છે એમ નથી.
નિમિત્તાદિ, વસ્તુની જન્મક્ષણ નીપજાવનાર નથી. જુઓ, વસ્તુની જે જન્મક્ષણ છે તે જન્મથી વ્યાપ્ત છે, ઉત્પાદ ઉત્પાદથી વ્યાપ્ત છે, વ્યય વ્યયથી વ્યાપ્ત છે અને ધ્રુવ ધ્રુવથી વ્યાપ્ત છે. પ્રવચનસારમાં આ વાત લીધી છે. આ પ્રવચનસાર તો દિવ્યધ્વનિનો સાર છે. ભગવાન એમ કહે છે કે-તું અમારી દિવ્યધ્વનિ સાંભળે છે એથી તને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી, પરંતુ જ્ઞાનની પર્યાયનો જન્મક્ષણ છે તેથી ઉત્પન્ન થાય છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે પણ છેલ્લે કહ્યું છે કે-હે જીવો! હું સમજાવનાર છું અને તમે સમજનાર છો એવા મોહથી ન નાચો. વાણી અમે કરી છે એમ ન માનો. અમે તો જ્ઞાનમાં છીએ; તો વાણીને અમો કેમ કરીએ? જ્ઞાનમાં જ હું છું, વાણીમાં હું આવ્યો જ નથી તેથી હું સમજાવનાર છું એમ છે નહિ. અને વાણીથી તને સમજાયું એમ પણ નથી. આ તો દુનિયાથી તદ્ન જુદી વાત છે, ભાઈ