૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે. ૧૪૮ કર્મની પ્રકૃતિ જે ભાવોથી બંધાય તે બધા ભાવો અચેતન છે. ચેતનના ભાવથી, ચૈતન્યના નિર્મળ પરિણમનથી બંધન ન પડે. બંધન તો ચૈતન્યથી ખાલી અચેતનભાવથી પડે. અચેતન-ભાવથી અચેતન પ્રકૃતિનું બંધન થાય.
વળી કોઈ એમ કહે છે કે જે ભાવથી પુણ્ય બંધાય તે પુણ્યભાવને તમે અધર્મ ન કહો? અરે ભાઈ! પુણ્યભાવ આત્માના આનંદના પ્રવર્તનથી વિરુદ્ધ ભાવ છે. આત્માના આનંદનું પ્રવર્તન ધર્મ છે તો પુણ્યભાવ અધર્મ છે એમ સહેજે તેમાં આવી જાય છે.
વસ્તુ નિત્ય, ધ્રુવ, આનંદનો નાથ ભગવાન આત્મા ચિન્માત્ર છે. તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. અબુધ જીવને સમજાવવા માટે વ્યવહાર દ્વારા સમજાવ્યું છે. પણ એ વ્યવહારને જ જે પકડી રાખે એ ઉપદેશ સાંભળવાને લાયક નથી. એવો જીવ ભગવાનની દેશનાને લાયક નથી એમ શ્રી પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે.
હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ-
‘चित्शक्ति–व्याप्त–सर्वस्व–सारः अयम् जीवः इयान्’ ચિત્શક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વસાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે. શું કહે છે? આ જ્ઞાનનું દળ, આનંદનું દળ, શાન્તિનું દળ એમ અનંત ગુણના દળથી મંડિત ચિત્શક્તિ જ જેનું સર્વસ્વ છે તે જીવ છે. એટલો જ માત્ર આત્મા છે. આ ચૈતન્યશક્તિથી પ્રસરવાપણું જેનું સર્વસ્વ છે એટલો જ આત્મા છે.
‘अतः अतिरिक्ताः अमी भावाः सर्वे अपि पौद्गलिकाः’ આ ચિત્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પુદ્ગલજન્ય છે, પુદ્ગલના જ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પ પુદ્ગલના જ છે. ચાહે વ્યવહારત્નત્રયના ભાવ હો કે તીર્થંકર નામકર્મ જે વડે બંધાય એ ભાવ હો એ બધા ભાવ ચિત્શક્તિથી ખાલી છે તેથી પુદ્ગલના જ છે, પુદ્ગલ સંબંધી છે.
પ્રશ્નઃ– રાગાદિ ભાવોને પુદ્ગલ કેમ કહ્યા?
ઉત્તરઃ– આત્માની ચૈતન્યજાતિના એ પરિણામ નથી. રાગાદિને ઉત્પન્ન કરે એવો આત્મામાં કોઈ ગુણ-સ્વભાવ નથી. તેથી એ ભાવો આત્માના નથી. વળી પર્યાયમાં ઉત્પન્ન થતા એ ભાવો પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે. તેથી એ બધા પુદ્ગલના જ છે એમ કહ્યું છે. જો આત્માના હોય તો તે આત્માથી ભિન્ન પડે નહીં.