Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 601 of 4199

 

સમયસાર ગાથા-૪૯ ] [ ૮૩ ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જીવ. જો કોઈ બહુ સાધિક હોય (બુદ્ધિવાળો હોય) તોપણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે.’ પણ એ વ્યવહારથી જણાવ્યું છે. કહેનારે કે સાંભળનારે વ્યવહાર અનુસરવા લાયક નથી. ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે, પણ તે વ્યવહારનું અનુસરણ ન કરવું, વસ્તુ ત્રિકાળ છે એનું અનુસરણ કરવું. સમયસાર ગાથા ૮ની ટીકામાં આની સ્પષ્ટતા કરેલી છે.

જેમાં ભવ અને ભવના ભાવનો અભાવ છે એવો ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસિંધુ છે. બનારસીદાસે કહ્યું છે ને કેઃ-

‘કહૈ વિચચ્છન પુરુષ સદા મૈં એક હૌં,
અપને રસ સૌં ભર્યો આપની ટેક હૌં,
મોહકર્મ મમ નાંહિ નાંહિ ભ્રમકૂપ હૈ.
શુદ્ધ ચેતનાસિંધુ હમારૌ રૂપ હૈ.’

આ રાગાદિ ભાવ ચાહે શુભરાગ હોય તોપણ તે ભ્રમનો કૂવો છે, ભવનો કૂવો છે. જેનો બેહદ અપરિમિત જ્ઞાનસ્વભાવ છે એવો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. એવા ચૈતન્યસમુદ્રમાં અવગાહન કર, એની સન્મુખ થઈ એમાં મગ્ન થઈ જા. તેથી આખા વિશ્વના ભાવોથી ભિન્ન એવા આનંદમાં તારું પ્રવર્તન થશે. આનું નામ ધર્મ છે.

કોઈ એમ કહે કે આનું કાંઈ સાધન ખરું કે નહિ? શ્રી પંચાસ્તિકાયમાં વ્યવહાર નિશ્ચયનું સાધન છે એમ આવે છે ને? ભાઈ! એ તો નિમિત્ત કેવું હોય છે તેની વાત કરી છે. એ વ્યવહાર કાંઈ સાધન નથી, નિશ્ચય જ સાધન છે. યથાર્થ સાધન તો એક જ છે; પણ સાથે રાગ કેવી જાતનો હોય છે તે દેખાડવા વ્યવહાર ઉપર સાધનનો ઉપચારથી આરોપ કર્યો છે.

અહીં કહ્યું છે ને કે આત્મા આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. તારા નિર્મળ પરિણમનમાં એક આત્માનો સાક્ષાત્ અનુભવ કરો. આ અનુભવ એ રત્નત્રયરૂપ ધર્મ છે, મોક્ષમાર્ગ છે. આમાં વ્યવહારનો નિષેધ આવી ગયો. કહ્યું ને કે જે વ્યવહારનો રાગ છે તે ચિત્શક્તિથી રિક્ત એટલે ખાલી છે તેથી તેને છોડ, અને ચૈતન્યસ્વભાવના સામર્થ્યનો દરિયો ભગવાન આત્મા છે એમાં પ્રવેશ કર, પર્યાયને એક શુદ્ધ ચૈતન્યસિંધુમાં નિમગ્ન કર. માર્ગ તો આ એક જ છે. ‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.’

આ સમ્યક્ એકાન્ત છે. નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય એમ માનવું એ તો મિથ્યા અનેકાન્ત છે.