૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ એમાં પ્રવેશ કર, અવગાહન કર. જેમ સમુદ્રમાં અવગાહન કરે છે એમ આ ચૈતન્યમાત્ર સમુદ્રમાં અવગાહન કર. વર્તમાન પર્યાય દ્વારા ત્રિકાળી જ્ઞાનસ્વભાવી શુદ્ધ ચૈતન્યસિંધુમાં પ્રવેશ કર. પુણ્ય-પાપના ભાવનું અવગાહન તો અનાદિનું છે, પણ એ તો મિથ્યાભાવ છે, ચૈતન્યથી ખાલી છે.
અહા! કેવી ટૂંકી અને સારભૂત વાત! જે ભાવથી બંધન થાય તે સર્વ વિકલ્પો અચેતન છે. તેથી ચૈતન્યશક્તિનો જેમાં અભાવ છે એવા અનેક પ્રકારના અચેતન શુભાશુભ ભાવોનું લક્ષ છોડી દે અને સદા એકરૂપ શુદ્ધ ચિત્શક્તિમાત્ર ભાવને ગ્રહણ કર.
કેવા છે આત્મા? ‘विश्वस्य उपरि चारु चरन्तम् इमम् परम् आत्मानम्’-સમસ્ત પદાર્થસમૂહરૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો એવો આ એક, કેવળ, અવિનાશી આત્મા છે તેનેઃ-આત્મા લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો પદાર્થ છે. વિકલ્પથી માંડીને આખા જગતથી એ જુદો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. સુંદર રીતે પ્રવર્તતો એટલે કે અતીન્દ્રિય આનંદસ્વરૂપે પ્રવર્તતો પદાર્થ છે. પુણ્ય-પાપમાં પ્રવર્તન એ તો દુઃખરૂપ પ્રવર્તન છે. આત્મા તો અતીન્દ્રિય આનંદસ્વરૂપે પ્રવર્તતો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે.
ભગવાન આત્મા ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વભાવી છે, જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન- સ્વભાવી છે અને આનંદની અપેક્ષાએ આનંદસ્વરૂપ છે. એવા જ્ઞાન, આનંદ અને વીતરાગતા ઇત્યાદિ અનેક ગુણ-સ્વભાવોથી ભરેલો અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ આદિ સઘળા અચેતન ભાવોનું લક્ષ છોડી પ્રગટ ચિન્માત્ર એક આત્મામાં અવગાહન કર. અનુભવ થવાની આ જ પદ્ધતિ અને રીત છે. આકરી લાગે કે ન લાગે, માર્ગ તો આ છે, ભાઈ! બીજો કોઈ માર્ગ નથી.
‘आत्मा (आत्मानम्) आत्मनि साक्षात् कलयतु’ ભવ્યાત્મા એવા એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો. અહાહા! એકલું માખણ છે. અનાદિથી આ ચૈતન્યપ્રકાશનો પુંજ શાશ્વતસ્વરૂપ ભગવાન આત્મા પુણ્ય-પાપના વ્યવહાર ભાવોમાં મુંઝાઈ ગયો છે, ઝકડાઈ ગયો છે. તેને અહીં કહે છે કે એ સર્વ વ્યવહાર ભાવોનું લક્ષ છોડી ચિત્શક્તિસ્વરૂપ ભગવાન આત્માનો આત્મામાં જ સાક્ષાત્ અનુભવ કર.
અહીં ચિત્શક્તિસ્વરૂપ આત્મા એમ ભેદથી કથન કર્યું ત્યાં વસ્તુમાં કોઈ ભેદ ન સમજવો. પણ શું થાય? બીજા તો કોઈ ઉપાય નથી. બહુ બુદ્ધિવાળો હોય તોપણ સમજાવવાના કાળે ભેદ પાડીને જ સમજાવવું પડે. ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા’, અથવા બહુ ટૂકું કહે તો ‘જ્ઞાન તે આત્મા’-એમ ભેદ પાડીને જ કથન કરે. ભેદ પાડયા વિના સમજાવે શી રીતે? શ્રી સમયસાર કળશટીકા, કળશ પમાં આ વાત લીધી છે, ‘જીવવસ્તુ નિર્વિકલ્પ છે. તે તો જ્ઞાનગોચર છે. તે જ જીવવસ્તુને કહેવા માગે