૧૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ ‘વિશુદ્ધ ચૈતન્યપરિણામથી’ એટલે કે સ્વની એક્તાના પરિણામથી. આ પર્યાયની વાત છે. સ્વની એક્તાના પરિણામથી સ્વપરની એક્તાના પરિણામ ભિન્ન છે.
બંધ અધિકારના ૧૭૩મા કળશમાં આવે છે કે-હું પર જીવની રક્ષા કરું, તેના પ્રાણનો નાશ કરું, તેને સુખ-દુઃખ આપું એવો જે અધ્યવસાય-સ્વપરની એક્તાબુદ્ધિ-છે તે મિથ્યાત્વ છે. તેનો ભગવાને નિષેધ કરાવ્યો છે. તેથી હું-અમૃતચંદ્રાચાર્ય એમ સમજુ છું કે પર જેનો આશ્રય છે એવો સઘળોય વ્યવહાર છોડાવ્યો છે. આચાર્યદેવ કહે છે કે સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય જિન ભગવંતોએ પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ સમજીએ છીએ કે પરના આશ્રયે જેટલો કોઈ વ્યવહાર થાય છે તે સઘળોય ભગવાને છોડાવ્યો છે. આ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિના જે વિકલ્પ છે તે વ્યવહાર છે અને તે પરના આશ્રય સહિત છે. તેથી તે વ્યવહાર સઘળોય છોડાવ્યો છે. ‘તો પછી આ સત્પુરુષો એક સમ્યક્ નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિમામાં સ્થિરતા કેમ ધરતા નથી? આચાર્ય કહે છે કે -આ પ્રમાણે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ, પંચમહાવ્રતનો ભાવ કે વ્યવહાર રત્નત્રયનો ભાવ એ સઘળોય ત્યાજ્ય છે તો પછી સંતો એક નિજ શુદ્ધ ચૈતન્યમાં જ લીન કેમ રહેતા નથી? (નિજ ચૈતન્યમાં જ લીન રહેવું જોઈએ).
હું પરને જીવાડી શકું, તેના પ્રાણની રક્ષા કરી શકું, પરના પ્રાણ હરી શકું, અનુકૂળતા- પ્રતિકૂળતા આપી શકું, ભૂખ્યાને અનાજ અને તરસ્યાને પાણી પહોંચાડી દઉં તથા ગરીબોને પહેરવા કપડાં અને રહેવા મકાન દઈ દઉં એવી જે બુદ્ધિ છે તે બધીય એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાય છે, મિથ્યાત્વ છે. બાપુ! હું પરને કાંઈ આપી શકું છું એ વાત જ જૂઠી છે. કોઈ પરનું કાંઈ કરી શક્તો જ નથી. આ પ્રમાણે પર સાથે એકતાબુદ્ધિના ભાવ-અધ્યવસાય તે બધાય નિજ ચૈતન્યદ્રવ્યમાં ઢળેલા વિશુદ્ધ ચૈતન્ય-પરિણામથી ભિન્ન છે કારણ કે તેઓ પુદ્ગલ દ્રવ્યના પરિણામમય છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. તે એકનો આશ્રય લઈને સ્વાશ્રયે જે પરિણામ થાય છે તે વિશુદ્ધ ચૈતન્ય-પરિણામ છે. તે ચૈતન્યપરિણામથી આ મિથ્યા અધ્યવસાય સઘળાય ભિન્ન છે, જુદા છે. ચૈતન્યના વિશુદ્ધ પરિણામ થાય ત્યાં આ સ્વપરની એક્તાબુદ્ધિના અધ્યવસાય ભાવ રહેતા નથી એમ અહીં કહેવું છે. તેથી અધ્યાત્મસ્થાનો સઘળાય જીવને નથી કેમકે તેઓ પુદ્ગલ પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. સ્વાનુભૂતિ થતાં સ્વપરની એક્તાબુદ્ધિના સઘળા પરિણામ ભિન્ન પડી જાય છે, એટલે અભાવરૂપ થઈ જાય છે. આવી વાત છે.
પ્રશ્નઃ– તમે તો (સ્વરૂપને) સમજવું, સમજવું, સમજવું, બસ એટલું જ કહ્યા કરો છો? (બીજું કાંઈ કરવાનું તો કહેતા નથી.)