Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 621 of 4199

 

સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૦૩ કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે. તું પોતે તો મહંત રહેવા ઇચ્છે છે અને પોતાનો દોષ કમરદિકમાં લગાવે છે? પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ.’ જુઓ વિકાર કર્મથી થાય છે એમ માનનારા અનીતિ કરે છે. એ અનીતિ જૈનદર્શનમાં સંભવિત નથી. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ કહેવું છે કે વિકાર થાય છે તે પોતાના અપરાધથી જ થાય છે, કર્મથી કે નિમિત્તથી નહિ. જ્યારે આ ગાથામાં અહીં એમ કહે છે કે જીવને વિકાર નથી કેમકે સ્વાનુભૂતિ કરતાં વિકારના પરિણામ અને તેનું નિમિત્ત જે કર્મ તે ભિન્ન રહી જાય છે. તેથી આઠેય કર્મ જીવને નથી. અહીં સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.

૧૪. જે છ પર્યાપ્તિયોગ્ય અને ત્રણ શરીરયોગ્ય પુદ્ગલસ્કંધરૂપ નોકર્મ છે તે બધુંય જીવને નથી. આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, મન અને શ્વાસોચ્છ્વાસ-એમ છ પર્યાપ્તિયોગ્ય જે પુદ્ગલસ્કંધો છે તથા ત્રણ શરીરયોગ્ય જે પુદ્ગલસ્કંધો છે તે નોકર્મ છે. તે બધુંય જીવને નથી કારણ કે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. ચૌદ બોલ થયા.

૧પ. જે કર્મના રસની શક્તિઓના-અવિભાગ પરિચ્છેદોના સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.

૧૬. જે વર્ગોના સમૂહરૂપ વર્ગણા છે તે બધીય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.

૧૭. જે મંદતીવ્ર રસવાળાં કર્મદળોના વિશિષ્ટ ન્યાસરૂપ-વર્ગણાઓના સમૂહરૂપ-સ્પર્ધકો છે તે બધાય જીવને નથી. જીવનું સ્વરૂપ તો સચ્ચિદાનંદશક્તિમય છે. નિજસ્વરૂપમાં ઝુકાવ કરતાં પરિણામમાં આનંદનો અનુભવ આવે છે. પરંતુ તેમાં કર્મના વર્ગો કે વર્ગણાના સમૂહનો અનુભવ આવતો નથી. જડ તો જીવથી ભિન્ન જ છે. આ કર્મના વર્ગ અને વર્ગણાઓ જે છે તે પુદ્ગલ છે. તેથી તેઓ શુદ્ધ ચૈતન્યથી ભિન્ન જ છે. પરંતુ તે તરફના વલણનો જે ભાવ છે તે પણ સ્વાનુભૂતિથી ભિન્ન છે. એ જડ તરફના વલણવાળી દશા સ્વદ્રવ્યના વલણવાળા ભાવથી જુદી પડી જાય છે માટે વર્ગ, વર્ગણા અને સ્પર્ધકો બધાય જીવને નથી.

૧૮. સ્વપરના એકપણાનો અધ્યાસ એવા જે પરિણામ તે અધ્યાત્મસ્થાનો અર્થાત્ અધ્યવસાય છે. વિશુદ્ધ ચૈતન્ય-પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવાં એ અધ્યાત્મ-સ્થાનો જીવને નથી. અધ્યાત્મસ્થાન એટલે આત્માનાં સ્થાન નહીં. સ્વપરની એક્તાબુદ્ધિના અધ્યવસાયને અધ્યાત્મસ્થાન કહ્યાં છે. તે અધ્યાત્મસ્થાનો બધાંય જીવને નથી. ‘બધાંય’ એમ કહ્યું છે ને? એટલે સ્વપરની એક્તાબુદ્ધિના જેટલા ભાવ છે તે બધાંય જીવને નથી.