૧૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ એકત્વના વિશુદ્ધ ચૈતન્યપરિણામ થાય તે, ચૈતન્યપરિણામથી જુદાપણું જેનું લક્ષણ છે એવા સ્વપરની એકત્વબુદ્ધિના અધ્યવસાયોથી ભિન્ન છે. જુઓ, વિશુદ્ધ ચૈતન્યના પરિણમનથી અધ્યાત્મસ્થાનોનું જુદું લક્ષણ છે એમ કહીને પછી તે એકત્વબુદ્ધિના પરિણામ અનુભૂતિથી ભિન્ન છે એમ કહ્યું છે. (આશય એમ છે કે સ્વપર એકત્વબુદ્ધિ બની રહે ત્યાંસુધી શુદ્ધ ચૈતન્યના પરિણામ ઉપજે નહિ અને નિજ શુદ્ધાત્માના આશ્રયે સ્વાનુભૂતિ પ્રગટ થતાં એકત્વબુદ્ધિના પરિણામ ઉપજતા નથી.)
૧૯. જુદી જુદી પ્રકૃતિઓના રસના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે અનુભાગસ્થાનો તે બધાંય જીવને નથી. અનુભાગસ્થાનો તો જડરૂપ છે, પણ આત્મામાં તેના નિમિત્તે જે ભાવ થાય છે તે પણ ખરેખર જીવને નથી. કર્મના અનુભાગના નિમિત્તે આત્મામાં જે પરિણામ થાય છે તે અનુભાગસ્થાનો છે, અને તે જીવને નથી. એકલા જડના અનુભાગ-સ્થાનોની આ વાત નથી. પર્યાયમાં કર્મના રસના નિમિત્તે જે ભાવો થાય તે અનુભાગસ્થાનો છે. તે ભાવ છે તો પોતાની પર્યાયમાં પણ તેને અહીં પુદ્ગલદ્રવ્યના પરિણામમય ગણ્યા છે. સ્વભાવની દ્રષ્ટિથી જોતાં સ્વભાવ, વિકારના અનુભાગપણે પરિણમે એવો નથી. આત્મદ્રવ્યમાં કોઈ ગુણ કે શક્તિ એવાં નથી જે વિકારરૂપે પરિણમે. તથા નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરતાં તે (અનુભાગસ્થાનો) અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. તેથી અનુભાગસ્થાનો બધાંય જીવને નથી.
૨૦. કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી. આ વાતને આપણે ત્રણ પ્રકારે વિચારીએ.
પ્રથમ વાતઃ– આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે. કંપન છે તો જીવની પર્યાયમાં; છતાં જીવના ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિએ તેને પુદ્ગલના પરિણામમાં ગણ્યા છે.
બીજી વાતઃ– સમયસાર સર્વવિશુદ્ધ અધિકારની ૩૭૨ મી ગાથામાં આવે છે કે દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે. જેમ ઘડો માટીથી થાય છે, કુંભારથી એટલે નિમિત્તથી નહિ; તેમ જીવદ્રવ્યની કંપન કે રાગની પર્યાય જે તે સમયે સ્વતંત્ર પોતાના કારણ થાય છે, નિમિત્તના કારણે નહિ. ત્યાં અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન થયેલી દશા પોતાની છે એમ સિદ્ધ કર્યું છે. ત્યારે અહીં શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિએ તે કંપનના પરિણામ પુદ્ગલના છે એમ કહ્યું છે.
હવે ત્રીજી વાતઃ– સ્વયંભૂસ્તોત્રમાં બાહ્ય અને અભ્યંતર એમ બે કારણથી કાર્ય થાય છે એમ આવે છે. હવે કાર્ય તો અભ્યંતર કારણથી જ થાય છે. પરંતુ કાર્યકાળે જોડે નિમિત્ત કોણ છે એનું ત્યાં જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે તેથી બીજું બાહ્ય કારણ પણ કહ્યું છે. જેમ નિશ્ચય સ્વભાવનું ભાન થતાં ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ