સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૦૭ નિશ્ચય કહ્યો; તથા પર્યાયમાં જે અશુદ્ધતા-અપૂર્ણતા છે તેને જાણવી તે વ્યવહારનય કહ્યો. તેમ જીવ દ્રવ્યમાં કંપન કે રાગની ઉત્પત્તિ સ્વતઃ (પોતાથી) થાય છે, પરથી નહિ; અને તે પરિણામ પોતાના જ છે. છતાં બાહ્ય કારણથી થાય છે એમ કહેવું એ નિમિત્તનું જ્ઞાન કરાવનારું વ્યવહારનું કથન છે. એમાં નિશ્ચયથી પર્યાય પોતાથી થાય છે એમ જણાવીને નિમિત્તનું પણ સાથે જ્ઞાન કરાવ્યું છે, કેમકે નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ બારમી ગાથામાં કહ્યું છે ને? જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તે સ્વને જાણે અને પર જે નિમિત્ત હોય તેને પણ જાણે નિમિત્તથી કાર્ય થાય છે એમ નહિ પણ કાર્યકાળે નિમિત્તની ઉપસ્થિતિ છે. તેથી નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે, આદરેલું નહિ. બાહ્ય નિમિત્તથી રાગ ઉત્પન્ન થાય છે કે વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય ઉત્પન્ન થાય છે એમ કહેવું એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયથી તો નિશ્ચય રત્નત્રય નિજ સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. આવી વાત છે, ભાઈ!
અહીં તો એકલી સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાથી વાત છે. તેથી તે રાગના, કંપનના પરિણામને પુદ્ગલના કહ્યા છે કારણ કે જે વિભાવ છે તે નીકળી જાય છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. તો તેનું પરિણમન અશુદ્ધ કેમ હોય? શુદ્ધ ચૈતન્યમય વસ્તુનું પરિણમન તો શુદ્ધ ચૈતન્યમય હોય, અશુદ્ધ ન હોય. તેથી અહીં અશુદ્ધ પરિણમનને પુદ્ગલના પરિણામમય કહ્યું છે. અહીં ત્રિકાળી જ્ઞાયક-સ્વભાવની-શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે.
જ્યારે ગાથા ૩૭૨માં જે વિકારી અશુદ્ધ પરિણામ થાય છે તે જીવના જીવમાં થાય છે એમ કહ્યું છે તે, તે તે સમયની પર્યાયની જન્મક્ષણ સિદ્ધ કરી છે. રાગાદિ વિકાર નિમિત્તથી નીપજે છે એમ નથી પણ પોતાથી પોતામાં સ્વતંત્રપણે થાય છે. એમ ત્યાં સિદ્ધ કર્યું છે.
તથા સ્વયંભૂસ્તોત્રમાં ભક્તિનો અધિકાર હોવાથી શ્રી સમંતભદ્રસ્વામીએ નિમિત્તની હયાતી (બર્હિવ્યાપ્તિ) સિદ્ધ કરવા એમ કહ્યું કે અભ્યંતર અને બાહ્ય કારણની સમગ્રતા એ કાર્ય ઉત્પત્તિનું કારણ છે. જો કે કાર્યની ઉત્પત્તિનું વાસ્તવિક કારણ તો સ્વ (અભ્યંતર કારણ) જ છે. છતાં જોડે જે નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવવા તેને સહચર દેખી ઉપચારથી આરોપ કરીને, નિમિત્તથી કાર્ય થયું છે એમ વ્યવહારનયથી કહેવામાં આવ્યું છે. તેથી એમ ન સમજવું કે નિમિત્ત આવ્યું માટે કાર્ય થયું કે નિમિત્ત વડે કાર્ય થયું છે. પર્યાયમાં જે વિકાર થાય છે તે શું ચીજ છે? તે છે તો પોતાનો (જીવનો) જ અપરાધ. તે કોઈ નિમિત્તનો-કર્મનો કરાવ્યો થયો છે એમ નથી. તથા નિમિત્ત છે માટે થયો છે એમ પણ નથી. વિકારી કે નિર્વિકારી પર્યાય, થવા કાળે પોતાની સ્વતંત્રતાથી થાય છે. તે વખતે નિમિત્ત તરીકે બીજી ચીજ હયાત છે, બસ એટલું જ.