સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૦૯ છે એમ જાણેલું પ્રયોજનવાન છે. નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી, પણ કાર્યમાં અન્ય પદાર્થ નિમિત્ત છે એમ જાણેલું પ્રયોજનવાન છે.
જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં ખરું કારણ તો ઉપાદાન એક જ છે. જેમકે જે નિશ્ચયમોક્ષમાર્ગ છે એ જ મોક્ષનું કારણ છે. માર્ગ તો એક જ છે. પરંતુ સાથે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિના રાગને સહચર દેખી, મોક્ષમાર્ગનું નિમિત્ત જાણી, એને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. નિમિત્ત છે ખરું, પણ તે ઉપાદાનમાં કાંઈ પણ કરે છે એમ નથી. અહો! વસ્તુનું સત્ય સ્વરૂપ આવું જ છે.
નિશ્ચયથી દરેક દ્રવ્યની પર્યાય, તેનો ‘જન્મક્ષણ’-જે ઉત્પત્તિનો કાળ છે. તે જ કાળે થાય છે એ નિશ્ચય છે, યથાર્થ છે. હવે આ નિશ્ચયને યથાર્થપણે રાખીને બીજી ચીજનું-નિમિત્તનું જ્ઞાન કરાવવા બે કારણ ઉપચારથી કહ્યાં છે. બીજી રીતે કહીએ તો પ્રમાણ છે તે પોતે વ્યવહારનો વિષય છે કારણ કે બે ભેગાં થયાં ને? કાર્યનું નિશ્ચય કારણ સ્વ અને તેનું નિમિત્ત પર એમ પ્રમાણમાં બે ભેગાં થયાં માટે તે વ્યવહારનો વિષય થઈ ગયો. એક ચીજના જ્ઞાનમાં, બીજી ચીજનું સાથે જ્ઞાન કર્યું એટલે કે બન્નેનું સાથે જ્ઞાન કર્યું તે પ્રમાણજ્ઞાન થયું માટે પ્રમાણજ્ઞાન સદ્ભૂતવ્યવહારનો વિષય થયો. આ પ્રમાણે પંચાધ્યાયીમાં પણ કહ્યું છે.
‘આત્મા રાગને જાણે છે’ એમ કહેવું તે સદ્ભૂત વ્યવહાર-ઉપચાર છે. જાણવું પોતાનામાં છે માટે સદ્ભૂત અને ખરેખર તો પોતાને જાણે છે છતાં રાગને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પાડવો તે સદ્ભૂત વ્યવહાર અનુપચાર છે. અહા! જુઓ આચાર્યોએ કેવી સ્પષ્ટતા કરી છે! પ્રમાણજ્ઞાન સ્વદ્રવ્ય અને રાગને એટલે પરને એમ બન્નેને એકીસાથે જાણે છે. જ્ઞાન પરને જાણે એ સદ્ભૂત વ્યવહાર-ઉપચાર છે. માટે પ્રમાણજ્ઞાન પોતે જ સદ્ભૂત વ્યવહારનયનો વિષય થઈ ગયો. વસ્તુસ્થિતિ જ આવી છે, બાપુ. આ કાંઈ ઘરની વાત નથી પણ વસ્તુના ઘરની વાત છે.
અહીં કહે છે કે કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણાના કંપનના નિમિત્તથી આત્મામાં જે કંપન થાય છે તે પુદ્ગલના પરિણામ છે. આ જે કંપનની વાત છે તે જડ વર્ગણાના કંપનની વાત નથી. મન-વચન-કાયના પરમાણુઓ તો જડ છે જ. પરંતુ અહીં તો તેમના નિમિત્તે આત્મામાં થતા કંપનના પરિણામને જડ કહ્યા છે. યોગનું જે કંપન છે તે જીવની પર્યાય છે અને તે પોતાથી તે કાળે થયેલી સ્વયંની જ જન્મક્ષણ છે. તે જડ વર્ગણાથી થઈ છે એમ નથી. પરંતુ જીવના સ્વભાવમાં કંપન થાય એવો સ્વભાવ નથી. તેથી સ્વભાવની અપેક્ષાએ નિમિત્ત હોતાં જીવમાં થતા કંપનને પુદ્ગલના પરિણામ કહ્યા છે.
આ રીતે ત્રણ પ્રકારે કથન કર્યું.