૧૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
૧. વિકારી ભાવ જે જીવમાં થાય છે તે નિશ્ચયથી જીવની પોતાની પર્યાય છે.
૨. વિકારી ભાવમાં કર્મ નિમિત્ત છે એવું (ઉપાદાન-નિમિત્તનું સાથે) જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. વિકારી ભાવ નિશ્ચયથી જીવની પર્યાય છે એમ નિશ્ચય રાખીને સાથે નિમિત્તનું જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. તે સદ્ભૂત ઉપચાર-વ્યવહાર છે.
૩. હવે ભગવાન આત્મા જે અનંત-અનંત ગુણનું પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યદળ, ચૈતન્યરસનું આખું ત્રિકાળી સત્ત્વ છે તે કદીય વિકારપણે પરિણમે નહિ. માટે નિમિત્તથી થયેલા વિકારને નિમિત્તમાં નાખીને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ! આ કાંઈ ખાલી પંડિતાઈનો વિષય નથી. ભગવાન વીતરાગદેવનો માર્ગ જેવો છે તેવો અંદર અંતરમાં બેસવો જોઈએ.
શ્રી વાસુપૂજ્ય ભગવાનની સ્તુતિ કરતાં ‘સ્વયંભૂસ્તોત્ર’માં શ્રી સમંતભદ્રસ્વામીએ કહ્યું છે કે-કાર્યોમાં બાહ્ય અને અભ્યંતર, નિમિત્ત અને ઉપાદાન એમ બન્ને કારણોની સમગ્રતા હોવી તે આપના મતમાં દ્રવ્યગત સ્વભાવ છે. શ્રી અકલંકદેવે પણ કહ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે. એ તો બે (ઉપાદાન-નિમિત્ત) સિદ્ધ કરવા છે, અને પ્રમાણજ્ઞાન કરાવવું છે તેથી એમ કહ્યું છે. ખરેખર તો કાર્ય થાય છે પોતાથી પોતાના કારણે, અને ત્યારે નિમિત્ત હોય છે. પરંતુ નિમિત્તની અપેક્ષા છે એમ નથી. શ્રી પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં આવે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે. દ્રવ્ય-ગુણથી તો નહિ પણ પરકારકથી- નિમિત્તથી પણ વિકાર ઉત્પન્ન થતો નથી. અહીં અસ્તિકાય સિદ્ધ કરવું છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ છે એમ સિદ્ધ કરવું છે. તેથી વિકાર છે તે પર્યાયના ષટ્કારકનું પરિણમન છે એમ કહ્યું છે. અહાહા! વિકારનાં ર્ક્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ સ્વયં વિકાર છે. એક સમયની પર્યાયમાં ષટ્કારકનું પરિણમન દ્રવ્ય-ગુણની કે પર નિમિત્તની અપેક્ષા વિના જ થાય છે. આ પ્રમાણે ત્યાં નિશ્ચયથી વિકારના પરિણામમાં પર કારકની અપેક્ષા નથી એમ કહ્યું છે.
જ્યારે અહીં સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે તેથી એમ કહ્યું કે વિકારના પરિણામ પુદ્ગલના છે.
તથા જ્યાં બે કારણ કહ્યાં ત્યાં નિશ્ચયથી તો પર્યાય પોતાથી જ પોતાના ષટ્કારકથી જ થાય છે પરંતુ સાથે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. ભાઈ! ખરેખર તો કારણ એક જ છે. જેમકે-મોક્ષમાર્ગ એક જ છે. માર્ગ કહો કે કારણ કહો તે એક જ અર્થ છે. મોક્ષનું કારણ જેમ એક જ છે તેમ પર્યાયનું કારણ નિશ્ચયથી એક જ છે. પ્રભુ! સત્ય તો આવું છે, હોં. જો કાંઈ આડું-અવળું કરવા જઈશ તો સત્ સત્ નહિ રહે. વસ્તુનો ભાવ જ યથાર્થ આમ છે અને એમ જ બેસવો જોઈએ.