સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૧૧
યોગસ્થાન એટલે કંપન. જીવનો જે અયોગગુણ છે તેની તે વિકારી પર્યાય છે. તે કર્મ- ગ્રહણમાં નિમિત્ત છે. કર્મ પરમાણુનું આવવું તો તેના પોતાના ઉપાદાનના કારણે છે. પરમાણુનો તે કાળે તે રીતે પરિણમવાનો કાળ છે તેથી તે રીતે કર્મરૂપે પરિણમે છે. તેમાં યોગનું નિમિત્ત કહેવું તે વ્યવહાર છે. અહીં યોગના પરિણામ આત્માના નથી પણ પુદ્ગલના છે એમ જે કહ્યું છે તે સ્વભાવની દ્રષ્ટિ કરાવવા કહ્યું છે. યોગના-કંપનના વિકારી પરિણામ સ્વભાવથી ઉત્પન્ન થતા નથી. તેથી સ્વભાવની દ્રષ્ટિ કરાવવા પર્યાયમાં જે પરલક્ષી વિકાર થાય છે તેને પરમાં નાખી દઈ તે પુદ્ગલના પરિણામમય છે એમ કહ્યું છે. ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં બીજું શું થાય?
પ્રશ્નઃ– કાર્ય તો બે કારણથી થાય છે અને તમે એક કારણથી માનો છો. માટે તે એકાંત થઈ જાય છે.
ઉત્તરઃ– ભાઈ, સમયસારની ગાથા ૩૭૨માં આવે છે કે-‘માટી કુંભભાવે ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો, જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે છે. કારણ કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે.’ તેથી ઘડો માટીથી થયો છે; કુંભારથી થયો છે એમ અમે જોતા નથી. નિમિત્તથી કાર્ય થયું છે એમ અમે જોતાં નથી.
કુંભાર, ‘ઘડો કરું છું’ એમ અહંકારથી ભરેલો હોય તોપણ તેનો સ્વભાવ કાંઈ ઘડામાં જતો-આવતો (પ્રસરતો) નથી; અન્યથા કુંભારના સ્વભાવે ઘડો થવો જોઈએ. પરંતુ ઘડો તો માટીના સ્વભાવે જ થાય છે, કુંભારના સ્વભાવે થતો નથી. માટે ઘડાનો ર્ક્તા માટી જ છે, કુંભાર નહિ. પરંતુ જ્યાં બે કારણ કહ્યાં છે ત્યાં, જે વાસ્તવિક કારણ નથી પણ ઉપચારમાત્ર કારણ છે તેને સહકારી દેખીને, તે કાળે તે હોય છે એમ જાણીને, બીજું કારણ છે એમ કહ્યું છે. આ પ્રમાણે બે કારણથી કાર્ય થાય છે એમ વ્યવહાર કર્યો છે. આવી વસ્તુસ્થિતિ છે. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ અને ગહન છે, ભાઈ. અહીં વીસ બોલ પૂરા થયા.
૨૧. જુદી જુદી પ્રકૃતિઓના પરિણામ જેમનું લક્ષણ છે એવાં જે બંધસ્થાનો તે બધાંય જીવને નથી. જેટલા પ્રકારના બંધના પરિણામ ઉત્પન્ન થાય છે તે બધાય પુદ્ગલ-દ્રવ્યના પરિણામમય છે. માટે તે અનુભૂતિથી ભિન્ન છે.