૧૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
૨૨. પોતાનું ફળ ઉત્પન્ન કરવામાં સમર્થ કર્મ-અવસ્થા જેમનું લક્ષણ છે એવાં જે ઉદયસ્થાનો તે બધાંય જીવને નથી. આ પર્યાયમાં થતા વિકારી ભાવની વાત છે, કર્મની નહિ. જેને જીવ અર્થાત્ દ્રવ્યસ્વભાવ કહીએ તેને આ ઉદયસ્થાનો નથી. જીવની પર્યાયમાં ઉદયના જે અસંખ્ય પ્રકારો બને છે તે સઘળાય જીવને નથી. ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ આદિ જેટલા ઉદયના પ્રકારો છે તે બધાય પરમસ્વભાવભાવરૂપ ભગવાન આત્માને નથી. માટે તે સર્વને પુદ્ગલના પરિણામમય કહ્યા છે. એમ તો ઉદયના સ્થાનોનો ભાવ જીવની પોતાની પર્યાય છે અને તે કર્મના નિમિત્તની અપેક્ષા વિના પોતાનામાં થયા છે. પરંતુ ભગવાન પરમસ્વભાવભાવની દ્રષ્ટિ જેને થઈ છે એવા ધર્મી જીવને, પર્યાયની અપેક્ષાએ ઉદયનાં સ્થાનો પર્યાયમાં હોવા છતાં, દ્રવ્યબુદ્ધિએ તેઓ (પોતામાં) નથી; અને તે ઉદયસ્થાનો નીકળી જાય છે માટે તેઓને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યા છે.
ઉદયના-વિકારના જેટલા પ્રકાર છે તે બધાય નિશ્ચયથી તો જીવથી થયા છે, કર્મથી નહિ; કારણ કે કર્મ તો પરદ્રવ્ય છે, તે જીવને અડતુંય નથી તો પછી તેનાથી ઉદયભાવ-વિકાર કેમ થાય? (ન જ થાય). તત્ત્વાર્થસૂત્રમાં પણ ઉદયભાવો જીવના સત્ત્વરૂપ કહ્યા છે કેમકે તે જીવની પર્યાયમાં તે કાળે પોતાથી ઉત્પન્ન થાય છે. પરંતુ અહીં તેમને પુદ્ગલના પરિણામમય કહ્યા છે કેમકે ત્રિકાળી સ્વભાવમાં વિકાર થવાનો કોઈ ગુણ નથી. તેથી ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિમાં, નિમિત્તને આધીન થયેલા ભાવ નિમિત્તના છે એમ કહ્યું છે. તેથી કરીને નિમિત્તથી ઉદયભાવ થાય છે એમ ન સમજવું. નિમિત્ત તો ઉપચારમાત્ર કારણ છે, યથાર્થ કારણ તો પોતાનું છે. અરે! અત્યારે ભગવાનના વિરહ પડયા! કેવળજ્ઞાન રહ્યું નહિ! તેમ જ કોઈ ચમત્કારિક જ્ઞાન પણ રહ્યું નહિ! (ખેદ છે કે બધા વાદવિવાદમાં અટવાઈ ગયા છે).
ઉદયનાં સ્થાનો જીવના પરિણામ છે, પરંતુ આ ગાથામાં તેઓ શુદ્ધ જીવને નથી એમ કહ્યું છે તે સ્વભાવની અપેક્ષાએ કહ્યું છે. આત્મા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. તે સ્વભાવની દ્રષ્ટિ થતાં વિકારના પરિણામ થતા નથી. તેથી વિકારના પરિણામને પુદ્ગલના પરિણામ કહ્યા છે. આમ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ સમજવું જોઈએ.
૨૩. હવે માર્ગણાસ્થાનોની વાત છે. તેમાં પ્રથમ ગતિની વાત છે. ગતિના પરિણામ તો જીવના છે. આ શરીર છે તે ગતિ નથી. અંદર ગતિનો જે વિશેષભાવ-ઉદયભાવ છે તે ગતિ છે. મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરકગતિના પરિણામ જીવના છે. પરંતુ તે વિકારી પરિણામ હોવાથી, ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ થતાં છૂટી જાય છે. માટે તે પરિણામ પુદ્ગલના છે એમ કહ્યું છે. અહીં બધાય-ચૌદે માર્ગણાસ્થાનોને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ! વસ્તુ જે આત્મા છે એ તો શુદ્ધ પરમાત્મસ્વરૂપ ચિદ્ઘન છે. અનાદિ-અનંત છે, એક સમયમાં પરિપૂર્ણસ્વરૂપ પ્રભુ છે, (વસ્તુ તો) વર્તમાનમાં પૂર્ણ આખી છે, અહાહા....!