સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૧૩ એકલો સ્વભાવનો પિંડ છે. આવા સ્વભાવની દ્રષ્ટિમાં ગતિના વિકારી પરિણામ પુદ્ગલના છે કારણ કે તે પરિણામ નીકળી જાય છે અને તે પર્યાયમાં જે ઉત્પન્ન થાય છે તે દ્રવ્યગુણથી ઉત્પન્ન થતા નથી. અહો! વીતરાગદેવનો માર્ગ અદ્ભુત અને અલૌકિક છે. સર્વજ્ઞ ભગવાન વિદેહક્ષેત્રમાં હાલ બિરાજમાન છે. અને ચાર જ્ઞાનના ધણી, બાર અંગની રચના કરનાર ગણધરદેવો પણ તેમની સભામાં હાજરાહજુર છે. તેમનો આ માર્ગ છે. બાપુ! આ કાંઈ આલી- દુવાલીએ કહેલું નથી.
હવે ઇન્દ્રિય-ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય-તે બધીય પુદ્ગલના પરિણામ છે એમ કહે છે. ભગવાન આત્મા અતીન્દ્રિય મહાપ્રભુ છે. તેની અપેક્ષાએ ભાવેન્દ્રિયને પણ પુદ્ગલના પરિણામ કહ્યા છે. આ દ્રવ્યેન્દ્રિય છે એ તો જડ પુદ્ગલરૂપ જ છે. પણ જે ભાવેન્દ્રિય છે તે પર્યાય અપેક્ષાએ જીવના જ પરિણામ છે. પરંતુ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં ભાવેન્દ્રિયનું સ્વરૂપ ત્રિકાળી અતીન્દ્રિયસ્વભાવમાં નથી અને તે નીકળી જાય છે. માટે ભાવેન્દ્રિય પુદ્ગલના પરિણામ છે. બીજી રીતે કહીએ તો ભાવેન્દ્રિયના પરિણામ પોતાથી જ છે જેમાં કર્મના ક્ષયોપશમનું નિમિત્તપણું છે. આમ ભાવેન્દ્રિયના પરિણામ બે કારણથી થયા છે એમ કહ્યું ત્યાં પ્રમાણજ્ઞાનનો વિષય બતાવવા કહ્યું છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા એમ કહ્યું છે. ગજબ વાત છે! શાસ્ત્રની શૈલી કોઈ એવી છે કે ચારે બાજુથી મેળ ખાય છે. અહો! અદ્ભુત ધારા વહે છે!
બારમી ગાથામાં ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે’ એમ જે કહ્યું છે તેમાં નિમિત્તની (પર પદાર્થની) વાત નથી. તેમાં તો ભેદવાળી પર્યાયની વાત છે. શુદ્ધતા અને અશુદ્ધતાના અંશો જે પર્યાયમાં છે તેને જાણવા તે વ્યવહારનય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાયનું જ્ઞાન કરવું તે વ્યવહારનય. દ્રવ્ય અને પર્યાય બન્નેનું જ્ઞાન થઈને ત્યાં પ્રમાણજ્ઞાન થાય છે. પર નિમિત્તની ત્યાં વાત નથી. પણ જ્યારે સ્વ અને પર એમ બન્નેની ભેગી વાત કરવી હોય ત્યારે પરને નિમિત્ત કહેવામાં આવે છે અને તે વ્યવહાર છે. ગાથા ૧૧ અને ૧૨માં અંદરના વ્યવહારની-નિમિત્તની વાત છે.
(આ શાસ્ત્રની) ૩૧મી ગાથામાં આવ્યું હતું કે ભાવેન્દ્રિય ખંડ-ખંડ જ્ઞાનને જણાવે છે, પૂર્ણ આત્માને નહિ. તેથી તે પરજ્ઞેય છે. ભાવેન્દ્રિયનો વિષય જે ખંડ-ખંડ જ્ઞાન છે તે જ્ઞાયકનું પરજ્ઞેય છે. ઇન્દ્રિયને જીતવી એટલે શું? કે (૧) ભાવેન્દ્રિય જે ખંડ-ખંડ જ્ઞાન છે તે (૨) ઇન્દ્રિયો જડ છે તે (૩) અને તેના વિષયો જે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ છે તે-બધાય પરજ્ઞેય- પરદ્રવ્ય-ઇન્દ્રિય છે. તે ત્રણેયને જીતવા એટલે કે તેનાથી અધિકભિન્ન એક જ્ઞાયકભાવને જાણવો તે ઇન્દ્રિયોનું જીતવું છે.