૧૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છે તે લેવી. આ કાય છે તે જીવને નથી કેમકે તે પુદ્ગલના પરિણામમય છે.
હવે યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તે જે અંદર આત્મામાં યોગની ક્રિયાકંપન થાય છે તે જીવને નથી કેમકે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. આની વાત પહેલાં વિસ્તારથી આવી ગઈ છે.
તેવી રીતે પુરુષાદિ વેદના જે પરિણામ છે તે બધાય જીવને નથી કેમકે તે પુદ્ગલના પરિણામ છે. જે ત્રણ પ્રકારના વેદના પરિણામ થાય છે તે તેની જન્મક્ષણ છે તેથી પોતાથી થાય છે. તેને પરની અપેક્ષા નથી, તેમ જ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. દ્રવ્ય-ગુણની અપેક્ષા તેને કેમ હોય? કારણ કે દ્રવ્ય-ગુણ તો શુદ્ધ છે. અને પરની અપેક્ષા પણ કેમ હોય? કારણ કે પર તો ભિન્ન છે. તો પછી બે કારણ કેમ કહ્યા છે? એ તો પ્રમાણજ્ઞાન કરાવવા કહ્યું છે. વળી જે વાસના ઉત્પન્ન થાય છે તે છે તો જીવની પર્યાય. પરંતુ ત્રિકાળી દ્રવ્ય-સ્વભાવમાં તે નથી તથા સ્વભાવની દ્રષ્ટિ કરતાં તે પરિણામ જીવમાંથી નીકળી જાય છે તેથી તે વાસનાના પરિણામને અહીં પુદ્ગલના પરિણામ કહ્યા છે.
બીજી રીતે કહીએ તો વેદનો ભાવ જે વિકારની વાસના થાય છે તેનું અશુદ્ધ ઉપાદાન- કારણ તો પોતે જ છે, તથા જડ વેદનો ઉદય તેમાં નિમિત્ત છે. અહીં ઉપાદાન કારણની સાથે ઔપચારિક કારણ જે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. પરંતુ તેથી કરીને પર નિમિત્તથી વિકારની વાસના થાય છે એમ ન સમજવું. પોતાની પર્યાયમાં વિકાર પોતાથી થાય છે, તે પરકારકની અપેક્ષા રાખતો નથી. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૬૨)
પ્રશ્નઃ– જો વિકાર પરથી ન થાય અને પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જશે?
ઉત્તરઃ– વિકારપણે થવાનો પર્યાયનો સ્વભાવ છે. स्वस्य भवनं स्वभावः। પોતાથી તે પર્યાય થાય છે માટે તે સ્વભાવ છે. વિકાર પણ તે સમયનું સત્ છે કે નહીં? (હા, છે). તો નિશ્ચયથી સત્ને કોઈ હેતુ હોઈ શકે નહિ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે. ભલે ઉત્પાદ કે વ્યય વિકારરૂપ હો, પણ તે સત્ છે, અને સત્ અહેતુક હોય છે. તે કાળનું તે સ્વતંત્ર સત્ છે તો તેમાં અસત્ની (તેનાથી અન્યની) અપેક્ષા કેમ હોય? પરંતુ અહિંયા તો તે સત્ને ત્રિકાળી સત્ની અપેક્ષા પણ નથી. વિકારી પર્યાય પોતાની અપેક્ષાએ, વર્તમાન સત્ હોવા છતાં, તેને અપેક્ષાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે. વિકારી પર્યાય વર્તમાન સત્નું સત્ત્વ છે તે અપેક્ષાએ જોઈએ તો વિકારી વેદના પરિણામ પોતાથી થાય છે. તે વેદકર્મના ઉદયથી આત્મામાં થયા છે એમ બીલકુલ નથી. અહો! વીતરાગનો પંથ પરમ અદ્ભુત છે! શ્રી બનારસીદાસે પણ કહ્યું છે કે-
ઉપાદાન નિહચૈ જહાઁ, તહાઁ નિમિત વ્યવહાર. ૩