સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૨૩ પુદ્ગલના પરિણામ છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. આત્મા અખંડ, અભેદ શુદ્ધચૈતન્યઘનવસ્તુ છે. વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ ઢાળતાં અભેદ વસ્તુ જણાય છે પણ આ વિશુદ્ધિસ્થાનના ભેદો તેમાં દેખાતા નથી. અહાહા! શુદ્ધ દ્રવ્યને ધ્યેય બનાવતાં જે નિર્મળ ધ્યાનની વર્તમાન પર્યાય ઉદિત થઈ એમાં આ વ્યવહારરત્નત્રયના શુભભાવ દેખાતા નથી. શુભભાવ ધ્યાનની અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તે શુભરાગ જીવના નથી. તેથી તે લક્ષ કરવા યોગ્ય નથી. વર્તમાન અવસ્થા અંદર ધ્રુવ, અભેદ ચૈતન્યસામાન્ય તરફ વળતાં, ભલે તે અવસ્થામાં ‘આ ધ્રુવ, અભેદ ચૈતન્યસામાન્ય છે’-એવો વિકલ્પ નથી પણ એવું જ્ઞાન- શ્રદ્ધાનનું નિર્મળ પરિણમન છે અને તે અનુભૂતિ છે. એ અનુભૂતિમાં શુભભાવના ભેદો આવતા નથી પણ ભિન્ન રહી જાય છે. તેથી શુભભાવ જીવને નથી એમ અહીં કહ્યું છે.
૨૭. હવે જે ચારિત્રની પ્રાપ્તિ છે, સંયમલબ્ધિનાં સ્થાન છે તે બધાંય જીવને નથી એમ કહે છે. ચારિત્રની-સંયમની જે નિર્મળ પર્યાયો છે તે ભેદરૂપ છે. જ્યારે આત્મા અખંડ અભેદ દ્રવ્ય છે. તેથી અભેદ દ્રવ્યસ્વરૂપ જીવમાં આ ચારિત્રના ભેદો નથી એમ કહ્યું છે. અહીં નિમિત્ત, રાગ અને ભેદનું પણ લક્ષ કરવા યોગ્ય નથી એમ કહેવું છે. અંદર પૂર્ણ પરમાત્મા ચૈતન્યદેવ સાક્ષાત્ સ્વસ્વરૂપે બિરાજમાન છે. તેના તરફ ઢળતાં, વર્તમાન પર્યાયને તેમાં ઢાળી એકાગ્ર કરતાં જે સ્વાનુભૂતિ પ્રગટ થાય છે તે સ્વાનુભૂતિમાં સંયમના ભેદો આવતા નથી, ભિન્ન રહી જાય છે. કોઈને લાગે કે આ તો એકાંત છે, એકલું નિશ્ચય-નિશ્ચય છે. પણ બાપુ! નિશ્ચય એટલે જ સત્ય અને વ્યવહાર તો ઉપચાર છે. આ તો સમ્યક્ એકાંત છે. વીતરાગદેવે પ્રરૂપેલો માર્ગ આવો જ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યેય બનાવી પ્રગટ થતી ધ્યાનની દશામાં ‘આ ધ્યાન અને આ ધ્યેય’ એવો ભેદ-વિકલ્પ પણ રહેતો નથી. દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ આત્મા તેમાં સંયમલબ્ધિનાં સ્થાનો નથી તથા શુદ્ધ આત્માને વિષય કરનારી દ્રષ્ટિ જે અનુભૂતિ તેમાં પણ તે સંયમલબ્ધિના ભેદો જણાતા નથી, ભિન્ન જ રહી જાય છે. ભાઈ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે. તેમાં વાદવિવાદ કરે કાંઈ પાર પડે એમ નથી. ભગવાન! અંદર ભગવાનની પાસે જવું છે ત્યાં વાદવિવાદ કેવા?
અહીં સંયમલબ્ધિનાં સ્થાનોને પુદ્ગલના પરિણામ કહ્યા છે. તેમાં ક્ષયોપશમ ચારિત્ર પણ આવી ગયું. પર્યાય તરફનું લક્ષ છોડાવવા અને ત્રિકાળી વસ્તુ છે ત્યાં લક્ષ-પર્યાયને ઢાળવા અહીં સંયમલબ્ધિના પરિણામને પુદ્ગલના કહ્યા છે. અથવા બીજી રીતે કહીએ તો તે સંયમનાં- નિર્મળ પરિણામનાં સ્થાનો ઉપર લક્ષ જતાં વિકલ્પ થાય છે. માટે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. અંતર્મુખ પુરુષાર્થ વધવાથી ક્રમે ક્રમે સંયમની દશા વધે છે. પરંતુ અહીં કહે છે કે તે દશા જીવને નથી. કેમ? કારણ કે જે અનુભૂતિની પર્યાય દ્રવ્યમાં ઢળે છે તેમાં તે દશા-સ્થાનો-ભેદો રહેતા નથી, એટલે કે અનુભવમાં આવતા નથી.