૧૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ જેમ નિમિત્ત પર ચીજ છે, તે ‘આ જીવ’ નહિ હોવાથી અજીવ છે. તથા જેમ રાગમાં ચૈતન્યનો અંશ નથી તેથી તે અજીવ છે, તેમ આ ભેદને પણ અજીવ કહ્યા છે. કેમ કે ભેદનું લક્ષ કરતાં રાગ જ એટલે અજીવ જ ઉત્પન્ન થાય છે તેથી ભેદને અજીવ પુદ્ગલના પરિણામ કહ્યા છે. આ અજીવ અધિકાર છે. તેથી જે જીવ નથી, જીવમાં નથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ભાઈ! બહાર ડોકિયાં મારે છે તો અંદર જા ને! અંદર આનંદનો નાથ અનાદિ-અનંત, અવિચળ, ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય ભગવાન છે તેને જો ને! તેને જોતાં સંયમલબ્ધિના ભેદો જણાશે નહિ. આવી વાત છે.
સંયમલબ્ધિનાં સ્થાનો એટલે કે ક્રમે ક્રમે નિર્મળતાની પ્રાપ્તિનાં સ્થાનો, ક્રમે ક્રમે રાગની નિવૃત્તિ અને વીતરાગ સંયમના પરિણામોની પ્રાપ્તિનાં જે સ્થાનો, ભેદો છે તે બધાય જીવદ્રવ્યને નથી. કેમ? તો કહે છે કે શુદ્ધ દ્રવ્ય ઉપર પર્યાય વાળતાં અનુભૂતિમાં તે આવતા નથી.
પ્રશ્નઃ– આ તો આપે કોઈ નવો માર્ગ કાઢયો છે?
ઉત્તરઃ– પ્રભુ! આ તો અનાદિનો માર્ગ છે. અનાદિનો આ જ માર્ગ છે; નવો નથી. અરે! આ માર્ગના ભાન વિના તું ૮૪ના અવતાર કરીને મરી ગયો છે. તને પરિચય નથી તેથી નવો લાગે છે; પણ શું થાય? બાપુ! નિમિત્તની દ્રષ્ટિથી, શુભરાગની દ્રષ્ટિથી અને ભેદની દ્રષ્ટિથી તો વિકાર જ ઉત્પન્ન થાય છે. અને તેના ફળમાં ચાર ગતિમાં રખડવાનું-રઝળવાનું જ થાય છે. અહીં તો કહે છે કે શુદ્ધ જીવદ્રવ્યના આશ્રયે જે નિર્મળતાનાં પરિણામો, સંયમલબ્ધિનાં પરિણામો ઉત્પન્ન થાય છે તે પર્યાયરૂપે તો છે પણ તે દ્રવ્યમાં નથી. અહા! આવો માર્ગ અનાદિનો છે. જેને હિત કરવું હોય તેને સમજવો પડશે. ભેદ દ્રવ્યમાં નથી, પણ કોને એનું સાચું જ્ઞાન થાય? જેને દ્રવ્યદ્રષ્ટિ થાય, દ્રવ્ય અનુભૂતિમાં જણાય તેને એમ જણાય કે ભેદ દ્રવ્યમાં નથી. ભાઈ! આ અનુભવની ચીજ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી.
પ્રશ્નઃ– તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ એમ બન્ને રીતથી થાય છે. છતાં આપ કહો છો કે એક (નિસર્ગ)થી જ થાય છે. એ કેવી રીતે?
સમાધાનઃ– પ્રભુ! ધ્યાન દઈને સાંભળને ભાઈ! સમ્યગ્દર્શનની પર્યાય, વર્તમાન પર્યાયને અંતરમાં વાળતાં પ્રગટ થાય છે. ત્યારે નિમિત્ત કે રાગનું પણ લક્ષ રહેતું નથી. અધિગમથી એટલે નિમિત્ત ઉપર લક્ષ રાખીને સમક્તિ થાય છે એવો અર્થ નથી. વર્તમાન પરિણામ અંતઃતત્ત્વમાં વળે છે ત્યારે સમ્યગ્દર્શનના પરિણામ થાય છે. અને ત્યારે ભેદરૂપ ભાવ (જે પરિણામમાં છે) તે પણ સમ્યગ્દર્શનના પરિણામનો વિષય રહેતો નથી. અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. તે અધિગમ