૧૪૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
આ કર્મ, નોકર્મ અને રાગાદિ બંધપર્યાયથી જીવમાં સ્થિતિ પામેલ છે. એટલે કે એ કર્મ અને રાગાદિનો સંબંધ પર્યાયમાં એક સમય પૂરતો છે. વર્તમાન પર્યાયમાં એક સમય માટે કર્મ અને રાગનો સંબંધ છે. તે સંબંધ એક સયમનો જ છે. બીજે સમયે બીજો સંબંધ થાય છે, અને ત્રીજે સમયે ત્રીજો; પણ તે એક સમય પૂરતો જ સંબંધ થાય છે. તેથી આટલો સંબંધ દેખીને, જેમ માર્ગ લૂંટાતો નથી છતાં માર્ગ લૂંટાય છે એમ આરોપથી કહેવાય છે તેમ, ભગવાન આત્માને કર્મ અને રાગાદિ નથી છતાં વ્યવહારથી તે આત્માને છે એમ કહેવાય છે. નિશ્ચયથી તો આત્મા સદાય અમૂર્તસ્વભાવી અને ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે, જુદો છે. તેથી અમૂર્તસ્વભાવી અને ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક એવા જીવને કોઈ પણ વર્ણ આદિ નથી. નિશ્ચયથી અંદર પરમાર્થ વસ્તુને-ચૈતન્ય ધ્રુવ પ્રવાહને જોતાં તેમાં વર્ણ આદિ કાંઈ નથી.
માર્ગ તો માર્ગમાં છે, આકાશમાં છે. તે માર્ગ (આકાશ) કાંઈ લૂંટાય છે? (ના). પણ સંઘ જે થોડો કાળ માર્ગમાં ઊભો છે તે કાળે લૂંટાય છે તેથી ‘માર્ગ લૂંટાય છે’ એમ આરોપથી કહ્યું છે. તેવી રીતે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ જ્ઞાયક ધ્રુવ એવો ને એવો છે. એનો-ધ્રુવ ચૈતન્યનો પ્રવાહ તો અનાદિ-અનંત એમ ને એમ જ છે. પરંતુ તેની એક સમયની પર્યાયમાં રાગ તથા કર્મનો સંબંધ દેખી, તે રાગ અને કર્મ તેના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પરંતુ મૂળ ચીજમાં-આત્મામાં તેઓ નિશ્ચયથી નથી. આત્માને અન્ય કોઈ પણ વસ્તુ સાથે પર્યાયમાં એક સમય પૂરતો જ સંબંધ છે. શરીર, કર્મ, રાગ, ગુણસ્થાનના ભેદ ઇત્યાદિ સાથે પણ એક સમય પૂરતો જ સંબંધ છે. અહા! વસ્તુ તો વસ્તુપણે ત્રિકાળ છે. તેની એક સમયની પર્યાયમાં વર્ણાદિ સાથે એક સમય પૂરતો સંબંધ દેખી તે વર્ણાદિ જીવના છે એમ વ્યવહારથી કહેવાય છે, છતાં પરમાર્થે તેઓ વસ્તુભૂત નહિ હોવાથી જીવના નથી.
જેવી રીતે ‘જીવને વર્ણ નથી’ એમ કહ્યું તેવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, પ્રત્યય એટલે આસ્રવ, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન અને સંયમલબ્ધિનાં સ્થાન પણ જીવને નથી. તથા પર્યાપ્ત, અપર્યાપ્ત, સંજ્ઞી, અસંજ્ઞી આદિ જે જીવસ્થાન છે તે જીવને નથી, પહેલાં ૨૯ બોલ દ્વારા જે ભાવો કહ્યા તે સઘળાય એક સમય પૂરતા જીવની પર્યાયમાં છે, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં તેઓ નથી. ભગવાન આત્મા તો ચૈતન્યના ધ્રુવ પ્રવાહે ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એમ ને એમ જ અનાદિઅનંત રહેલો છે. તેને આ બધા ભાવો સાથે પર્યાયમાં એક સમય પૂરતો જ જે સંબંધ છે તે દેખીને તેઓ જીવના છે એમ અર્હંતદેવો વ્યવહારથી કહે છે. તોપણ નિશ્ચયથી ત્રિકાળી દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ તેઓ જીવના છે જ નહિ.