સમયસાર ગાથા-પ૮ થી ૬૦ ] [ ૧૩૯ અભેદદ્રવ્યની દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવે છે. જો તે ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.
અહીં શુદ્ધનયની દ્રષ્ટિથી કથન છે તેથી એમ સિદ્ધ કર્યું છે કે આ સર્વ ભાવોને સિદ્ધાન્તમાં જીવના કહ્યા છે તે વ્યવહારથી કહ્યા છે. જો નિમિત્તનૈમિત્તિકભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ સમજ્યે જ સમ્યગ્જ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે.
એક નય કહે છે કે વર્ણાદિ ભાવો જીવના છે અને બીજો નય કહે છે કે તે જીવના નથી. આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કેવી રીતે કહેવામાં આવે છે? અમારે તેનો નિર્ણય શી રીતે કરવો? તેનો ઉત્તર દ્રષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છેઃ-
જેમ-વ્યવહારી લોકો માર્ગે નીકળેલા સંઘને લૂંટાતો દેખીને ‘આ માર્ગ લૂંટાય છે’ એમ કહે છે. સંઘની માર્ગમાં તેટલી વાર ઉપસ્થિતિ હોય છે તેથી તેનો ઉપચાર કરીને ‘આ માર્ગ લૂંટાય છે’ એમ લૌકિકમાં કહે છે. ‘સંઘ લૂંટાય છે’ એમ કહેવાને બદલે ‘માર્ગ લૂંટાય છે’ એમ કેમ કહ્યું? એ તો સંઘની માર્ગમાં થોડો કાળ સ્થિતિ છે તે દેખીને, તેનો ઉપચાર કરીને ‘આ માર્ગ લૂંટાય છે’ એમ કહ્યું છે. તોપણ જો નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી. માર્ગ શું લૂંટાય? લૂંટાય છે તો માણસો. તેવી રીતે ભગવાન અર્હંતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ પામેલા કર્મ અને નોકર્મનો વર્ણ દેખીને, વ્યવહારથી જણાવે છે કે-‘જીવનો આ વર્ણ છે.’ રાગનો તથા કર્મનો જીવ સાથે સંબંધ દેખી અર્થાત્ જીવમાં તે પ્રકારે સ્થિતિ હોવાથી, ઉપચાર કરીને કહે છે કે ‘જીવનો આ વર્ણ છે.’
અહા! કેવો સરસ દાખલો આપ્યો છે! માર્ગ તો લૂંટાતો નથી, પણ માર્ગમાં તેટલો કાળ રહેલો સંઘ લૂંટાય છે; અને તેનો ઉપચાર કરીને ‘માર્ગ લૂંટાય છે’ એમ કહેવાય છે. તેમ ભગવાન આત્મા તો ત્રિકાળી આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ ધ્રુવ છે. અને તે ચૈતન્ય ધ્રુવ પ્રવાહ સદાકાળ એવો ને એવો જ છે. પરંતુ તેની પર્યાયમાં, રાગ અને કર્મનો સંબંધ છે. તે સમય પૂરતો પર્યાયનો સંબંધ દેખીને, તેનો ઉપચાર કરીને, કર્મ અને રાગ જીવના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે.