૧૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
આત્માનો સદાય અમૂર્તસ્વભાવ છે અને તે ઉપયોગગુણ વડે અન્યથી જુદો છે. માટે એક સમયની પર્યાયમાં અટકેલા ભાવોથી તે જુદો છે. અર્થાત્ તે સર્વ ભાવો જીવના નથી. અહા! નિમિત્ત કાઢી નાખ્યું, રાગ કાઢી નાખ્યો અને ભેદરૂપ પર્યાય પણ કાઢી નાખી. (અર્થાત્ તે જીવમાં નથી). નિમિત્તનો સંબંધ એક સમયનો, રાગનો સંબંધ એક સમયનો અને ભેદરૂપ પર્યાયનો સંબંધ પણ એક સમયનો આખો ઉકરડો-આ ૨૯ બોલ દ્વારા કહેલા ભાવોનો આખો ઉકરડો એક સમયના સંબંધે છે. આ સંબંધ પણ પર્યાયદ્રષ્ટિથી જોતાં છે; પરંતુ વસ્તુદ્રષ્ટિથી જોવામાં આવે તો તે સંબંધ પણ નથી કેમકે સંયોગ સંબંધ હોવા છતાં આત્માને તે સર્વ ભાવો સાથે તાદાત્મ્ય સંબંધ નથી. વર્ણાદિ ભાવો અને જીવને તાદાત્મ્ય સંબંધનો અભાવ છે. કાળો રંગ આદિ નિમિત્તભાવ, વિકાર આદિ રાગભાવ અને લબ્ધિસ્થાન આદિ ભેદ-ભાવ-તે સર્વ એક સમયના ભાવો છે. તેમને અને આત્માને એક સમયની પર્યાયમાં સંબંધ હોવાથી તે જીવના છે એમ વ્યવહારથી કહ્યું છે તોપણ તે ભેદો, વસ્તુદ્રષ્ટિથી જોઈએ તો, દ્રવ્યની સાથે એકરૂપ થયા જ નથી તેથી નિશ્ચયથી તે જીવના નથી. આ પ્રમાણે બે વાત કરી છે. વ્યવહારથી આ ભાવો જીવના કહ્યા છે, પણ નિશ્ચયથી તે જીવના નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે તે યથાર્થ સમજવું જોઈએ.
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે. જુઓ, ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે. તેની વર્તમાન પર્યાયમાં એક સમય પૂરતો આ વર્ણ, રાગ, ગુણસ્થાન આદિ ભેદનો સંબંધ છે. તેથી વ્યવહારનયથી તેઓ જીવના છે એમ કહ્યું છે કેમકે વર્તમાન પર્યાયમાં તેમનું અસ્તિત્વ છે. પરંતુ નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. અહાહા! ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી જોતાં તે ગુણસ્થાન આદિ ભેદો સાથે જીવને તદ્રૂપપણું નથી, તાદાત્મ્ય નથી. તેથી તે સર્વ ભાવો વ્યવહારથી જીવના કહ્યા છે છતાં નિશ્ચયથી જીવના નથી. આવી વાત છે.
અહીં એમ જાણવું કે-પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે સર્વથા અસત્યાર્થ છે. શું કહે છે? કે આ રાગ, કર્મનો સંબંધ, ગુણસ્થાન આદિના ભેદ જે છે તે પર્યાયમાં પણ નથી એમ ન સમજવું. પર્યાયપણે તો તે સર્વ સત્યાર્થ છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એક સમયની દશાને અસત્યાર્થ કહી છે, પણ વર્તમાન પર્યાયની અપેક્ષાથી તો તે વ્યવહાર સત્ય છે. માટે તેને (વ્યવહારનયને) કથંચિત્ અસત્યાર્થ જાણવો.