સમયસાર ગાથા-પ૮ થી ૬૦ ] [ ૧૪૩
વસ્તુને પર્યાયોથી ભિન્ન અભેદરૂપ જુદી સિદ્ધ કરવી હોય ત્યારે તેના અસાધારણ ગુણમાત્રને મુખ્ય કરીને કહેવામાં આવે છે. જીવને સિદ્ધ કરવો હોય ત્યારે તેનો અસાધારણ ઉપયોગસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ-ત્રિકાળ ટક્તો જે ગુણ-તેને મુખ્ય કરીને કહેવામાં આવે છે. અને ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત-નૈમિત્તિકભાવ અથવા નિમિત્તથી થતી સર્વ પર્યાયો ગૌણ થઈ જાય છે. અભાવ થઈ જાય છે એમ નહિ, પણ ગૌણ થઈ જાય છે. અભેદ વસ્તુની દ્રષ્ટિમાં એક સમયની પર્યાય કે ભેદ દેખાતાં નથી. પહેલાં સાતમી ગાથામાં ખુલાસો આવી ગયો છે કે અભેદમાં ભેદ દેખાતો નથી. તથા જો ભેદ દેખવા જાય તો અભેદની દ્રષ્ટિ રહેતી નથી. તેથી અભેદ વસ્તુની દ્રષ્ટિએ વસ્તુમાં ભેદ કે પર્યાય છે જ નહિ એમ કહ્યું છે.
સંસારપર્યાયની દ્રષ્ટિથી જોતાં સંસાર છે, ઉદયભાવ છે. ‘સંસાર નથી’ એમ જે કહ્યું છે એ તો ત્રિકાળી શુદ્ધદ્રવ્યની અપેક્ષાએ કહ્યું છે. ત્રિકાળ સ્વભાવને અભેદદ્રષ્ટિથી જોતાં અર્થાત્ વર્તમાન પર્યાયને અભેદ તરફ વાળતાં, અભેદમાં ભેદ દેખાતા નથી. તેથી ભેદો ત્રિકાળી દ્રવ્યમાં- જીવમાં નથી એમ કહ્યું છે. પરંતુ પર્યાયમાં છે તેથી કથંચિત્ (વ્યવહારથી) સત્ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ ઉદયભાવને, જીવતત્ત્વ કહ્યું છે. પર્યાયનયથી રાગ-પુણ્ય આદિને જીવતત્ત્વ કહેવાય છે. પરંતુ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિમાં તે પર્યાયો ગૌણ થઈ જાય છે.
સંસાર બીલકુલ છે જ નહિ, પર્યાયમાં અશુદ્ધતા છે જ નહિ એમ કોઈ કહે તો તે ભ્રાન્તિ છે. વર્તમાનમાં અશુદ્ધતા છે તેને કોઈ ‘માયા’ એટલે ‘કાંઈ નહિ’ એમ કહે છે. તેને અહીં કહે છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં એ માયા કાંઈ નથી, પણ વર્તમાન પર્યાયમાં તો છે. ‘બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા’ એમ કહે છે; પણ તે કઈ અપેક્ષાએ છે? પર્યાયને ગૌણ કરીને, અભેદમાં દ્રષ્ટિ કરતાં તે ભેદ અભેદમાં નથી એ અપેક્ષાએ ‘બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા’ છે. જો પર્યાય, પર્યાયની અપેક્ષાએ પણ નથી તો સંસાર જ નથી અને તેથી સંસારના અભાવપૂર્વક મોક્ષ પણ નથી. તો કોઈ પર્યાય સિદ્ધ નહિ થાય.
પરમાત્મપ્રકાશના ૪૩ અને ૬૮ મા દોહામાં આવે છે કે-જીવને બંધ નથી અને જીવને મોક્ષ નથી, તથા જીવને ઉત્પાદ-વ્યય નથી. દોહા ૪૩ ની ટીકામાં લખ્યું છે કે-“યદ્યપિ પર્યાયાર્થિકનયકર ઉત્પાદ-વ્યયકર સહિત હૈ, તો ભી દ્રવ્યાયાર્થિકનયકર ઉત્પાદ-વ્યયરહિત હૈ, સદા ધ્રુવ હી હૈ, વહી પરમાત્મા નિર્વિકલ્પ સમાધિકે બલસે તીર્થંકરદેવોંને દેહમેં ભી દેખ લિયા હૈ.” જુઓ, વ્યવહારનયથી જીવ ઉત્પાદ-વ્યય સહિત છે. વર્તમાન પર્યાયની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદ-વ્યય છે, સંસાર છે, ઉદયભાવ છે. પરંતુ દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો, વસ્તુમાં ઉત્પાદ-વ્યય નથી. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવમાં ઉત્પાદ-વ્યય નથી. પરંતુ તેથી કરીને વર્તમાન પર્યાયમાં પણ તે નથી એમ નથી.
દોહા ૬૮ ની ટીકામાં લખ્યું છે કે-“યદ્યપિ યહ આત્મા શુદ્ધાત્માનુભૂતિકે અભાવ હોને