૧૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
ત્રિકાળી ભગવાન આત્મા નિર્વિકલ્પ સમ્યગ્દર્શન અને સમાધિથી જણાય એવો છે. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે. તેનું અલ્પ નિર્મળ પરિણમન તે ઉપાય છે અને તેનું પૂર્ણ નિર્મળ પરિણમન તે ઉપેય છે, ફળ છે. ત્યાં એમ નથી કહ્યું કે મંદરાગનો ભાવ તે ઉપાય છે. તથા જ્યાં બીજે ઠેકાણે તેને (મંદરાગને) ઉપાય કહ્યો છે ત્યાં રાગ છે એટલું જણાવવા માટે કહ્યું છે. અહાહા! વસ્તુ જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળી જ્ઞાયક ભગવાન છે. તેની દશામાં દ્રવ્યસ્વભાવનું અપૂર્ણ વીતરાગી પરિણમન તે ઉપાય છે અને પૂર્ણ વીતરાગી પરિણમન તે ઉપેય એટલે ફળ છે. સ્વભાવ-પરિણમનની જ અપૂર્ણતા અને પૂર્ણતામાં ઉપાય અને ઉપેય સમાય છે. રાગ-વ્યવહાર તે ઉપાય છે એમ નથી. આવી વાત ઝીણી પડે, પણ માર્ગ તો આ જ છે, બાપુ! આ શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ જે આત્મા તેનું અધૂરું શુદ્ધ પરિણમન તે ઉપાય-કારણ-માર્ગ છે અને તેનું પરિપૂર્ણ શુદ્ધ પરિણમન તે ઉપેય-ફળ છે. પરંતુ વ્યવહારરત્નત્રય ઉપાય-કારણ છે એમ નથી. અહીં તો વ્યવહાર (ભેદ, પર્યાય, આદિ) છે એમ સિદ્ધ કરવું છે. પરંતુ મંદરાગ જે વ્યવહારથી, વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે તે નિશ્ચયનું કારણ છે એમ સિદ્ધ નથી કરવું. (અને એમ છે પણ નહિ).
આત્મા જે ત્રિકાળી ભગવાન ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ એવું ધ્રુવપદ-નિજપદ છે તે અનાદિ અનંત શુદ્ધ જ્ઞાયકભાવપણે છે. તેને અને કર્મને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. અર્થાત્ વસ્તુ જે શુદ્ધ દ્રવ્ય છે તે નૈમિત્તિક અને કર્મ નિમિત્ત એમ નથી. પરંતુ વસ્તુની વિકારી પર્યાય તે નૈમિત્તિક અને કર્મ નિમિત્ત-એવો વ્યવહાર સંબંધ પર્યાયમાં છે. અહીં શુદ્ધનયની દ્રષ્ટિથી કથન છે તેથી આ સર્વ ભાવોને સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે. તે ભાવો વ્યવહારથી અસ્તિ છે અને તે વ્યવહારનયનો વિષય છે. કર્મ તે નિમિત્ત અને રાગાદિનું થવું તે નૈમિત્તિક એમ નિમિત્ત-નૈમિત્તિકભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ છે એમ કહી શકાય છે. રાગ, વિકાર, અશુદ્ધતા, મલિનભાવ, ઉદયભાવ આદિ જીવમાં છે એમ વ્યવહારથી કહી શકાય છે. પરંતુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં તે નથી તે અપેક્ષાએ તે જૂઠા-અસત્યાર્થ છે. આ પ્રમાણે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ અને કથંચિત્ અસત્યાર્થ છે. જો વ્યવહારને સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો વ્યવહારનો લોપ થઈ જાય અને તેથી પરમાર્થનો પણ લોપ થઈ જાય. કારણ કે પર્યાયમાં જો રાગાદિ નથી, પુણ્ય-પાપનું બંધન નથી તો રાગનો જેમાં અભાવ કરવાનો છે તેવો મોક્ષમાર્ગ અને મોક્ષ પણ નથી. અહીં તો વ્યવહાર છે એટલું જ સિદ્ધ કરવું છે. પણ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ સિદ્ધ નથી કરવું. વ્યવહાર મોક્ષમાર્ગ તો રાગ છે અને તે ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તો છે જ નહીં. પર્યાયમાં રાગ છે એટલું સત્યાર્થ છે, પરંતુ તે વ્યવહાર છે-એટલો રાગ છે-માટે નિશ્ચય પમાય છે એમ નથી.
પ્રશ્નઃ– શાસ્ત્રમાં આવે છે કે સમક્તિીને દુઃખ છે જ નહિ, અશુદ્ધતા છે જ નહિ. તો એ કેવી રીતે છે?